ગુજરાત આયુર્વેદીક યુનિવર્સીટીના બીએએમએસ પરીક્ષાના પ્રશ્નો સોશ્યલ મીડીયા પર પરીક્ષા પૂર્વે વાયરલ થતાં પેપર લીકને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને આયુર્વેદ યુનિવર્સીટી ખાતે આવેદનપત્ર પાઠવી દોષીતો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) જામનગર મહાનગર દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી બીએએમએસના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પૂર્વે પ્રશ્નોના મહત્વના મુદ્દાઓ સોશિયલ મીડિયા, ખાસ કરીને વોટ્સએપ પર વાયરલ થયાના આક્ષેપને ગંભીર ગણાવ્યો છે. પરિષદે જણાવ્યું છે કે આવી ઘટના યુનિવર્સિટીની પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સમાન છે.
View this post on Instagram
આવેદનમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓ સતત મહેનત અને પરિશ્રમથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે પ્રશ્નપત્ર સંબંધિત માહિતી પરીક્ષા પહેલાં જ વાયરલ થવી અત્યંત નિંદનીય બાબત છે. એબીવીપીએ આ સમગ્ર મામલે રચાયેલી તપાસ સમિતિ તાત્કાલિક તપાસ પૂર્ણ કરી સંડોવાયેલા તમામ લોકોના નામ જાહેર કરે તેમજ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જામનગર મહાનગરના એબીવીપી નગર મંત્રી રાજવીર ગઢવી સહિતના હોદેદારો, કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.


