Saturday, July 13, 2024
Homeરાજ્યજામનગરચાઇનીઝ ડેટીંગ એપના નામે મળવા બોલાવી છેતરપિંડીનો નવતર કીમીયો

ચાઇનીઝ ડેટીંગ એપના નામે મળવા બોલાવી છેતરપિંડીનો નવતર કીમીયો

- Advertisement -

જામનગર શહેરમાં ચાઇનીઝ ડેટીંગ એપ દ્વારા સંપર્કમાં આવેલા યુવાનને મળવા માટે બોલાવી જોલી બંગલા પાસે રાત્રિના સમયે છ શખ્સોએ યુવાન પાસે રહેલી રોકડ ઝૂંટવી લઇ તેના મોબાઇલ ફોન પરથી રૂા.37,000 હજારનું બળજબરીપૂર્વક ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે છ શખ્સોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

સોશિયલ મીડિયાના વધતો જતો ઉપયોગ નુકસાનકારક પણ ઘણી વખત સાબિત થતો હોય છે. તેમાં અનેક એપ્લીકેશનો જવાબદાર હોય છે. તેમાં પણ ખાસ કરીને ચાઇનીઝ એપ્લીકેશનો લોકોને ભોળવીને છેતરપિંડી આચરતી હોય છે. આવી એપ્લીકેશનો સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી અંતર્ગત અસંખ્ય એપ્લીકેશનો ભારતમાં બેન કરી દેવામાં આવી છે તેમ છતાં હજુ પણ અસંખ્ય ચાઇનીઝ એપ્લીકેશનો દ્વારા લોકો સાથે છેતરપિંડીના બનાવો અવિરત બનતા રહે છે. આ એપ્લીકેશનમાં પણ ડેટીંગ એપ દ્વારા છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા પરિણીત દેવેન્દ્રભાઈ વશરામભાઇ નકુમ (ઉ.વ.31) નામના યુવાને તેના મોબાઇલમાં Blued Live & Male Dating એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં આ એપ્લીકેશન દ્વારા વિશાલ પટેલ નામની આઈડી પરથી દેવેન્દ્ર સાથે મેસેજમાં વાતચીત કર્યા બાદ જામનગર શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પર મળવા બોલાવ્યો હતો.

ત્યાં દેવેન્દ્રને મળવા આવેલા અજાણ્યો શખ્સ બન્ને પોત-પોતાની બાઈક પર જોલી બંગલા પાસે સમય ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી પસાર થતા હતાં ત્યારે એક રીક્ષામાં બેસીને આવેલા ચાલક સહિતના પાંચ શખ્સોએ દેવેન્દ્રનું બાઈક ઉભુ રખાવ્યું હતું તેેન મળેવા આવેલા વિશાલ પટેલ નામના આઈડી ધારક તથા રીક્ષામાં આવેલા પાંચ સહિતના છ શખ્સોએ એકસંપ કરી દેવેન્દ્રને અંદર શેરીમાં ખેંચીને લઇ ગયા હતાં. જ્યાં દેવેન્દ્ર પાસે રૂપિયા અને દાગીનાની માંગણી કરી હતી. પરંતુ દેવેન્દ્રએ આનાકાની કરતા છ પૈકીના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે દેવેન્દ્રને લમધાર્યો હતો. તેમજ બાઈક સવાર વિશાલ પટેલ આઈડી ધારક સહિતના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી દેવેન્દ્ર પાસે રહેલી રૂા.3,500 ની રોકડની લૂંટ ચલાવી હતી તેમજ તેના મોબાઇલ પરથી રૂા.37,000 નું બળજબરીપૂર્વક ઓનલાઈન ગુગલ પે દ્વારા ટ્રાન્ઝેકશન કરાવી કુલ રૂા.40,500 પડાવી લીધા હતાં.

- Advertisement -

હુમલો અને લૂંટનો ભોગ બનેલા દેવેન્દ્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ બનાવની જાણ કરતા પીએસઆઇ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે દેવેન્દ્રના નિવેદનના આધારે બાઈક અને રીક્ષામાં આવેલા છ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી હુમલો કરી લૂંટના બનાવમાં ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ આરંભી હતી. પોલીસે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજો એકત્રિત કરી આ લૂંટારુ ગેંગને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાં બનેલી આ ઘટના ચેતવણીરૂપ બની ગઈ છે કેમ કે હાલના સમયમાં દરેક વ્યક્તિ મોબાઇલ યુઝ કરે છે અને મોબાઇલમાં જુદી જુદી એપ્લીકેશનો દ્વારા લોકો સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતના અસંખ્ય બનાવો બનતા હોય છે. આવી એપ્લીકેશનોમાં મેરેજની લગ્ન કરવા સંબંધી ડેટીંગ અને ચેટીંગ તથા સસ્તા વ્યાજદરે તાત્કાલિક લોન આપવાના બહાને છેતરપિંડીના ગુનાઓ વધી ગયા છે. આવી ડેટીંગ એપનો ઉપયોગ કરતા મોબાઇલધારકોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular