જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આજે બીજા દિવસે પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકીંગ દરમિયાન 520 જોડાણો તપાસતા 104માં ગેરરીતિ ઝડપાતા રૂા.23.70 લાખના બીલો ફટકાર્યા હતા. અને ગઇકાલે સોમવારે પીજીવીસીએલની 43 ટીમો દ્વારા ખંભાળિયા ગેઇટ અને નગરસીમ સબ ડિવિઝનના વિસ્તારોમાં 656 જોડાણો તપાસતા 124માં ગેરરીતિ ઝડપાતા રૂા.28.50 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ હાલ દિવાળીના તહેવારો નજીક આવતા હોય અને શહેર તથા જીલ્લામાં વીજચોરી કરતા લોકો વિરૂધ્ધ પીજીવીસીએલ દ્વારા શહેર અને જીલ્લાના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન આજે બીજા દિવસે જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ 37 ટીમો દ્વારા પટેલ કોલોની, દરબારગઢ અને સાતરસ્તા સબ ડિવિઝનના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ દરમિયાન કુલ 520 જોડાણો તપાસવામાં આવ્યા હતા. તે પૈકીના 104 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.23.70 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.
તેમજ સોમવારે પીજીવીસીએલની 43 ટીમો દ્વારા 16 એસઆરપી અને 24 પોલીસકર્મી તથા 3 વિડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત વચ્ચે શહેરના ખંભાળિયા ગેઇટ અને નગરસીમ સબ ડિવિઝનના સાધનાકોલોની, જેલરોડ અને ગોકુલનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી દરમિયાન કુલ 656 વીજજોડાણો તપાસવામાં આવ્યા હતા તે પૈકીના 124 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.28.50 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા. આમ પીજીવીસીએલ ટીમો દ્વારા બે દિવસ દરમિયાન કુલ 228 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.52.20 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા.