જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટીયા નજીકથી બાઈક પર પસાર થતા આશાસ્પદ યુવકને પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી જીજે-10-બીબી-9266 નંબરના બાઈક પર પસાર થતા ભાર્ગવસિંહ પ્રકાશસિંહ રાઠોડ (ઉ.વ.20) નામનો યુવક રવિવારે સાંજના સમયે લાખાબાવળ ગામના પાટીયા નજીક પહોંચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-01-કેએમ-0189 નંબરની કારના ચાલકે બાઈક સવારને ઠોકર મારી હડફેટે લેતા ભાર્ગવસિંહને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માત બાદ કારચાલક નાશી ગયો હતો. બનાવની મૃતકના મામા અનિરુધ્ધસિંહ ચૌહાણ દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.