જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ વતી ડ્રાઇવર પોલીસ કર્મચારીને લાંચ રૂશ્વત શાખાની ટીમે રૂા. 5000ની લાંચ લેતાં ઝડપી લીધો હતો અને પીએસઆઇની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
મળતી વિગત મુજબ જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં દિવ્યરાજસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીને અંબર સિનેમા રોડ પરથી જામનગર એસીબી પી.આઇ. એ.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા શુક્રવારે રાત્રિના સમયે રૂા. 5000ની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડયો હતો. એસીબીની ટીમે મહિલા પોલીસ સ્ટેશનથી થોડે દૂર અંબર સિનેમા રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. જ્યાં ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા રૂા. 5000ની ચલણી નોટો સ્વીકારવા માટે આવતાં તેને રંગેહાથ પકડી પાડયો હતો. જેને એસીબી ઓફિસની કચેરીએ લઇ જઇ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી હતી. એસીબી દ્વારા ગોઠવેલા છટકામાં પોલીસકર્મી ઝડપાઇ જતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
વધુમાં મળતી વિગત મુજબ જામનગરના એક આસામીની સાળીને કોઇ શખ્સ ભગાડી ગયો હોય અને આ પોક્સો એકટ અંગેના કેસમાં આગળની કાર્યવાહી નહીં કરવાનાં સંદર્ભમાં તપાસનીસ અધિકારી યુ. આર. ભટ્ટ દ્વારા પાંચ હજારની લાંચની માગણી કરવામાં આવી હતી. જેથી ફરિયાદીએ આ મામલે એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ શુક્રવારે રાત્રિના છટકું ગોઠવી પીએસઆઇ યુ.આર.ભટ્ટ વતી પાંચ હજારની લાંચ સ્વીકારતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા (ડ્રાઇવર)ને ઝડપી લઇ પીએસઆઇ યુ.આર.ભટ્ટની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વતી લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો
પોકસો કેસની તપાસ સંદર્ભે પાંચ હજારની માગણી: એસીબી દ્વારા પીએસઆઇની શોધખોળ