મેઘપર ગામે મકાનમાંથી મેઘપર પડાણા પોલીસે બે શખ્સોને 40.06 ગ્રામ હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂા. 8,91,700નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
જામનગર સહિત રાજ્યભરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવનનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. હાલારના દરિયાકિનારાનો ઉપયોગ નશીલા પદાર્થોની હેરફેર અને ઘૂસણખોરી માટે કરવામાં આવતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અનેક વખત જામનગર શહેર-જિલ્લામાંથી નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાય છે. આ દરમ્યાન મેઘપર ગામ ખાતે કેનેરા બેન્કની પાછળ હરેન્દ્રસિંહ હેમતસિંહ કંચવાના રૂમો પૈકી રૂમ નંબર 101માં ભાડેથી રહેતાં મનજીતસિંઘ પંજાબી અને ચમકુરસિંઘ પંજાબી નામના બે શખ્સો પાસે કેફી માદક પદાર્થ પાઉડરનો જથ્થો હોવાની મેઘપર પડાણાના હે.કો. સુધિરસિંહ જાડેજા, રોહિતભાઇ થાનકી, પો.કો. ગૌતમભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી મેઘપરના પીઆઇ એ. એલ. બારસિયાની રાહબરી હેઠળ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના પીઆઇ એ. એલ. બારસિયા, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, જયરાજસિંહ ઝાલા, હે.કો. સુધિરસિંહ જાડેજા, રોહિતભાઇ થાનકી, પો.કો. વિક્રમસિંહ જાડેજા, ગૌતમભાઇ ચાવડા, કરણભાઇ વશરા, સલીમભાઇ મલેક, મહેશભાઇ જોગલ, કુલદીપસિંહ પરમાર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન મકાનમાંથી મનજિતસિંઘ નરંજનસિંઘ તથા ચમકુરસિંઘ કુલદીપસિંઘ નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 8,88,200ની કિંમતનો 40.06 ગ્રામ માદક પદાર્થ ડ્રગ્સ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂા. 8,91,700નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન બઘેલસિંઘનું નામ પણ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.


