જામનગર શહેરમાં સજુબા સ્કૂલથી લઇને ચાંદીબજાર-માંડવી ટાવર સુધી સિમેન્ટ રોડની જરૂરિયાતને લઇને જામ્યુકોના સતાધિશો ગોળ-ગોળ ફેરવી રહયા હોય તેવું જણાય રહયું છે. અહીં ચાર કરોડના સિમેન્ટ રોડની જરૂરિયાત શું ? તેનો સ્પષ્ટ જવાબ કે, જેસ્ટીફિકેશન આપવાને બદલે સ્થાયી સમિતિના અધ્યક્ષ ધીરેન મોનાણી આ બિનજરૂરી ખર્ચનો પાંગળો બચાવ કરતાં કહી રહયા છે કે, આ કામ તો અગાઉની બોડીએ મંજૂર કર્યું છે. અમે તો તેનો અમલ માત્ર કરી રહયા છીએ. બીજી તરફ કહે છે એ તો મુખ્યમંત્રીની નેમ છે કે, શહેરના મુખ્ય માર્ગો સિમેન્ટના બનાવવા. હવે ચેરમેનને કોણ સમજાવે કે મુખ્યમંત્રીએ એમ નથી કહયું કે જયાં જરૂરિયાત ન હોય ત્યાંપણ કામ ઉખેડીને સિમેન્ટ ક્રોન્ક્રીટ ખડકી દેવી.
આ આસ્ફાલ્ટ રોડ ને રિ-સરફેસીંગ અને રિ-લેવલીંગ કરી રોડની બન્ને સાઇડ પ્રોપર સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવી ફરીથી ટનાટન બનાવી શકાય તેમ છે અને તે પણ સિમેન્ટ રોડના ખર્ચથી ખૂબ ઓછા ખર્ચે બચેલી રકમ શહેરમાં જરૂરિયાત વાળા વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા વાપરી શકાય જેથી મુખ્યમંત્રીની નેમ પણ જળવાય રહે.
View this post on Instagram
બીજી તરફ વેપારીઓ વિરોધ તો કરી રહયા છે પણ અધકચરો અને ડર સાથે કરી રહયા છે. ધંધા રોજગાર અને મુશ્કેલીનું કારણ આગળ ધરી રહયા છે. પણ કોઇ જામ્યુકોના સતાધિશોને સ્પષ્ટ પૂછવા તૈયાર નથી કે, અહીં સિમેન્ટ રોડની જરૂરિયાત શું છે ? શું દરખાસ્ત મુકનાર વિભાગ કે તેમના અધિકારીએ દરખાસ્તમાં આટલા માતબર ખર્ચ માટેનું અને જરૂરિયાત અંગેનું કોઇ જસ્ટીફિકેશન આપ્યું છે ? જો આપ્યું હોય તો ત જાહેર કરી તેની ફરીથી સમીક્ષા થવી જોઇએ અને વિકલ્પો વિચારવા જોઇએ.
આજના ટેકનોલજીના યુગમાં દરેક કામ સાયન્ટીફિક એપ્રોચ સાથે થવા જોઇએ, નહિં કે, કોઇના લાભાર્થે. આ માર્ગને લઇને જામ્યુકોના સતાધિશો અને વિરોધ કરનાર વેેપારીઓ બન્નેએ પોતાનું વલણ અને અભિપ્રાય સ્પષ્ટ કરવા જોઇએ. ગોળ-ગોળ બચાવ અને અધકચરો વિરોધ માત્ર ન ચાલે.આખરે નાણાં પ્રજાના છે તેને અધિકારીઓની મુનસફી અને સતાધિશોની વ્યકિતગત મહેચ્છા મુજબ વેડફી તો ન જ શકાય.


