Friday, November 13, 2026
Homeરાજ્યજામનગર‘બજરંગ ઢોસા’માં ચટણીમાંથી નીકળ્યો વંદો! ગ્રાહકનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ - VIDEO

‘બજરંગ ઢોસા’માં ચટણીમાંથી નીકળ્યો વંદો! ગ્રાહકનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ – VIDEO

પટેલ કોલોનીની હોટલમાં પરિવાર સાથે જમવા ગયેલા ડો. ભાવેશ વ્યાસને થયો કડવો અનુભવ, દુકાનદારના જવાબથી ગ્રાહક નારાજ, ફૂડ સેફ્ટી વિભાગ પાસે તપાસ અને કડક કાર્યવાહીની માંગ

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી ‘બજરંગ ઢોસા’ નામની હોટલમાં ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. હોટલમાં ઢોસા સાથે આપવામાં આવેલી ચટણીમાંથી વંદો નીકળ્યો હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગ્રાહકમાં ભારે નારાજગી જોવા મળી હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, ડો. ભાવેશ વ્યાસ પોતાના પરિવાર સાથે પટેલ કોલોની વિસ્તારમાં આવેલી બજરંગ ઢોસા હોટલમાં જમવા ગયા હતા. આ દરમિયાન તેમણે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. જોકે, ઢોસા સાથે આપવામાં આવેલી ચટણીમાંથી મોટો કાળો વંદો મળી આવતાં તેઓ ચોંકી ગયા હતા. ખાવાની વસ્તુમાં આવી બેદરકારી સામે આવતાં પરિવારજનોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. ઘટના અંગે ડો. ભાવેશ વ્યાસે દુકાનદારને જાણ કરી હતી અને જો આવી બેદરકારીના કારણે કોઈ ગ્રાહકને ફૂડ પોઈઝનિંગ થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ કર્યો હતો. આ અંગે દુકાનદારે ‘તે મારી જવાબદારી રહેશે’ તેવો જવાબ આપ્યો હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું. દુકાનદારની આ પ્રતિક્રિયાથી ગ્રાહક વધુ નારાજ થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાણીપીણીની દુકાનોમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાના નિયમો સામે આ ઘટનાએ સવાલો ઊભા કર્યા છે. ડો. ભાવેશ વ્યાસે સરકાર અને ફૂડ સેફ્ટી વિભાગ સમક્ષ માંગ કરી છે કે જામનગરની હોટલો અને રેસ્ટોરાંમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતાની નિયમિત તપાસ કરવામાં આવે. બજરંગ ઢોસાની આ ઘટના અંગે પણ તપાસ હાથ ધરી જવાબદારો સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular