અલગ અલગ બે સ્યુસાઇડ નોટ અને જમીન-મિલકતના વ્યવહારોને લઈને અગ્રણી મેરામણભાઇ પરમારના સુસાઇડ કેસમાં આવ્યા નવા તથ્યો. સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર 153 કરોડ રૂપિયાથી વધુની મિલકતો વ્યાજખોરીમા પડાવી લેવાના અને વ્યાજની પઠાણી ઉઘરાણીને ખંડણી વસૂલાતના ગંભીર મામલામાં ગુજરાત હાઇકોર્ટે દ્વારા આરોપીઓની આગોતરા જામીન અરજીમાં એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ 11 આરોપીઓની ધરપકડ ઉપર હાલ પૂરતો સ્ટે ફરમાવી દીધો છે, જેના પગલે આરોપીઓને મોટી રાહત મળી છે.
આ કેસમાં મૃતક મેરામણભાઈ હરદાસભાઈ પરમારના રહસ્યમય અવસાન સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 10 જાન્યુઆરી 2025ના રોજ તેઓ કે.ડી. હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઇ જવામાં આવેલ હતા અને ડેથ સમરી મુજબ કાર્ડિયાક અરેસ્ટ તથા હૃદય સંબંધિત જટિલતાઓને કારણે તેમનું અવસાન થયું હતું. આ મામલે ખુબ લાંબા સમય બાદ 27 ઓગસ્ટ 2026ના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જ્યારે આં બાબતે અગાઉ 31 જાન્યુઆરી 2025ના રોજ પણ કેટલીક વ્યક્તિઓના નામ સાથે ગાંધીનગર પોલીસમાં મૃતકના પુત્ર ધ્વારા ફરિયાદ નોંધવા અરજી થઈ હતી.
ફરિયાદપક્ષ દ્વારા 29 ડિસેમ્બર 2024 અને 2 જાન્યુઆરી 2025ની સ્યુસાઇડ નોટ્સને આધાર બનાવવામાં આવ્યો છે, જે 21 જાન્યુઆરી 2025ના રોજ મળી આવી હતી. જેમાં વ્યાજખોરી અને નાણાકીય લેવડદેવડ બાબતે હેરાનગતિના આક્ષેપો કરાયા છે. જો કે, તપાસના કાગળો અને દસ્તાવેજો દર્શાવે છે કે, મૃતક અને તેમના પરિવારના સભ્યો દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા, તેમજ ધીરાણ કરેલી રકમ અને પ્રોપર્ટી બાબતે સિવિલ દાવાઓ પણ અગાઉથી દાખલ થયેલા છે ખાસ કરીને, મહિલાઓને ફરિયાદમાં આરોપી બનાવેલ છે પરંતુ સ્યુસાઇડ નોટોમાં તેઓના નામો દર્શાવેલા નથી તેમજ વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડીયાનું પણ નામ સુસાઇડ નોટમાં નથી અને તેઓ માત્ર મૃતક પાસેથી મિલકતો ખરીદનાર તરીકેની ભૂમિકામાં છે.
આ સમગ્ર કેસમાં પટેલ અગ્રણી એવા પ્રવીણભાઈ લક્ષમણભાઇ દોમડિયા, વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડિયા, અને કાંતાબેન પ્રવીણભાઈ દોમડીયા તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જાણીતા જામનગરના સિનિયર એડવોકેટ નાથાલાલ પી. ઘાડીયા, હસમુખ એમ. મોલીયા, અર્પિત એમ. રૂપાપરા, પરેશ એસ. સભાયા તથા ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર કાઉન્સિલ અંસીન દેસાઈ અને પ્રવીણ ગોંડલીયાનાઓ રોકાયેલ છે.
બંન્ને પક્ષની દલીલોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે અરજદારોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે. આગામી તારીખ સુધી કોઈ પગલાં ન લેવા આદેશ કર્યો છે.અને હવે પછી અરજીની સુનાવણી તારીખ 16-12-2026ના રોજ મુકરર કરવામાં આવેલ છે.


