બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત બંગલા ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તેમની સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ધમકીના આ સાયા વચ્ચે પણ અભિનેતાએ પોતાની વર્ષો જૂની પરંપરા તોડી ન હતી અને રવિવાર, 1 નવેમ્બરના રોજ પોતાના ચાહકોનું સ્વાગત કર્યું હતું.
બુલેટપ્રૂફ કેબિન અને પુત્ર અભિષેકનો સાથ
અમિતાભ બચ્ચન સામાન્ય રીતે દર રવિવારે એકલા જ ચાહકોને મળવા બહાર આવતા હોય છે, પરંતુ આ વખતે સુરક્ષાના કારણોસર તેઓ બંગલાની બહાર વિશેષરૂપે બનાવાયેલી બુલેટપ્રૂફ કાચની કેબિન અંદરથી જ ચાહકોનું સ્વાગત કરતા અને હાથ હલાવતા જોવા મળ્યા હતા. તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યો હતો. તાજેતરમાં ડૉક્ટરોએ અમિતાભ બચ્ચનને આરામ કરવાની સલાહ આપી હોવા છતાં, સ્વાસ્થ્યની પરવા કર્યા વિના તેમણે ચાહકો સાથેનો આ સંપર્ક જાળવી રાખ્યો હતો.
23 ઓક્ટોબરના રોજ મુંબઈના મેયર રીતુ તાવડેના કાર્યાલય પર એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યો હતો. આ ઈમેઈલમાં અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલા પર બોમ્બ ફેંકવાની સાથે-સાથે ગાયક દિલજીત દોસાંજના મુંબઈ કોન્સર્ટ અને એક શાળાને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસે જલસા બંગલાની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.
44 વર્ષ જૂની પરંપરા
અમિતાભ બચ્ચનની આ ‘રવિવાર દર્શન’ પરંપરા વર્ષ 1982માં ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન થયેલા ગંભીર અકસ્માત બાદ શરુ થઈ હતી. તે સમયે તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા ત્યારે તેમની એક ઝલક જોવા અને ખબર-અંતર પૂછવા ચાહકોની ભારે ભીડ ઉમટી હતી. ચાહકોના આ પ્રેમને માન આપીને તેમણે દર રવિવારે બહાર આવીને મળવાનું શરૂ કર્યું હતું. કોવિડ-19 મહામારી સિવાય આ પરંપરા સતત 44 વર્ષથી ચાલી આવે છે.
મુંબઈમાં બોલિવૂડ કલાકારો પરના ખતરા વચ્ચે 18 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા બાઇક સવારોએ 5 થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટાઇગર શ્રોફ આબાદ બચાવ પામ્યા હતા, પરંતુ તેમના ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે. ધમકીના વચ્ચે પણ મહાનયાકે પોતાની વર્ષો જૂની પરંપરા તોડી ન હતી અને રવિવાર, 1 નવેમ્બરના રોજ પોતાના ચાહકોનું સ્વાગત બુલેટપ્રૂફ કાચની કેબિન અંદરથી કર્યું હતું.


