જામનગર શહેરના ગાંધીનગરના મોમાઇનગર વિસ્તારમાં રહેતા યુવાન ઉપર મિત્રતાના દાવે હાથ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા બે શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગરમાં મોમાઈનગર શેરી નંબર-5 માં રહેતાં ધર્મેશભાઈ મુકેશભાઈ ગંગેરા (ઉ.વ.27) નામના યુવાને મિતરાજસિંહ બળવંતસિંહ ચુડાસમાને એક વર્ષ પહેલાં મિત્રતાના દાવે રૂા.7500 હાથ ઉછીના આપ્યા હતાં. તેની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત આપ્યા ન હતાં. દરમિયાન ગત તા.27ના રોજ રાત્રિના સમયે ધર્મેશભાઈએ મિતરાજસિંહ પાસે પૈસાની ઉઘરાણી કરતા મિતરાજસિંહ અને પુર્વેરાજસિંહ મનોહરસિંહ જાડેજા નામના બે શખ્સોએ ધર્મેશના વાળ પકડી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. ત્યારબાદ ધર્મેશ બાઈકની ચાવી શોધતો હતો ત્યારે મિતરાજસિંહએ ગાળો કાઢી અપમાનિત કર્યો હતો. અને પુર્વેરાજસિંહએ ધર્મેશના વાળ પકડી રાખ્યા હતાં અને ત્યારબાદ મિતરાજસિંહે ધર્મેશને ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ધર્મેશભાઈ દ્વારા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને મારમારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસસી/એસટી સેલના ડીવાયએસપી મિત રૂદલાલ તથા સ્ટાફ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.


