જામનગર શહેરના નંદનવન સોસાયટીમાં રહેતાં યુવાનને તેના પિતરાઇએ બે રૂમ આપવાની વાત કર્યા બાદ જમીન લઇ રૂમ ન આપતાં યુવાન દ્વારા રૂમની માંગણી કરાતા માતા-પુત્રએ મરચાંની ચટણી ઉડાડી, ગાળો આપી, વિખોડિયા ભરી હુમલો કર્યાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની મળતી વિગત પ્રમાણે જામનગર શહેરના નંદનવન સોસાયટીની શેરી નંબર ત્રણમાં રહેતા યોગેશભાઇ અમરશીભાઇ મકવાણા (ઉ.વ.44) નામના રિક્ષા ચલાવતા યુવાને 6 વર્ષ પહેલાં તેની 600 ચો. ફુટ જમીન તેના પિતરાઇ કમલ મનોજ મકવાણાને આપી હતી અને આ જમીનમાં બાંધકામ કરી યોગેશને બે રૂમ આપવાની મૌખિક વાત કરી હતી. ત્યારબાદ કમલે જમીન લઇ લીધા પછી આજ દિવસ સુધી યોગેશને બે રૂમ આપ્યા ન હતા. જેથી યોગેશ દ્વારા આ બાબતે કહેવા જતાં કમલ મકવાણા અને તેની માતા કાંતાબેને એકસંપ કરી પિતરાઇ યોગેશને વારંવાર ત્રાસ આપી મરચાંની ચટણી ઉડાડી, ગાળો કાઢી હતી. તેમજ ઝપાઝપી કરી ઇજા પહોંચાડી કપાળના ભાગે વિખોડિયા ભરી મારી નાખવાની ધમકી આપી હતી. માતા અને પુત્ર દ્વારા અપાતા અવારનવારના ત્રાસથી કંટાળી યોગેશભાઇએ ગત્ તા. 25ના રોજ સાંજના સમયે તેના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફે યોગેશભાઇના નિવેદનના આધારે માતા અને પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


