Wednesday, September 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરના રહેણાંક વિસ્તારમાં ગરબાના આયોજનથી લોકોમાં આક્રોશ - VIDEO

જામનગરના રહેણાંક વિસ્તારમાં ગરબાના આયોજનથી લોકોમાં આક્રોશ – VIDEO

ગીતા મંદિર સામે ગરબાનું મેગા આયોજન: આજુ-બાજુની સોસાયટીના રહેવાસીઓ ત્રાહિમામ: મ્યુ. કમિશનર, કલેકટર અને પોલીસ વડાને આવેદનપત્ર: ગરબાનું આયોજન થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી: રહેવાસીઓમાં આક્રોશ

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિ ઉત્સવની તૈયારીઓ માટે આખરી ઓપ અપાઇ રહ્યાં છે ત્યારે મા અંબેની આરાધનામાં ડીસ્કો ડાન્ડીયાનું મહત્વ પણ અનેક ગણું વધી રહ્યું છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના પોશ વિસ્તાર એવા ગીતા મંદિર સામે ખુલ્લા પ્લોટમાં જેન-ઝેડ ગરબાના મેગા આયોજનથી વિસ્તારના લોકોમાં રોષ ફેલાઇ ગયો છે.

- Advertisement -

છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરમાં નવરાત્રિ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વર્ષોથી શહેરના વિસ્તારોમાં નાની બાળાઓની ગરબીનું આયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે શહેરની બહારના વિસ્તારોમાં ગરબાના પ્રોફેશનલ આયોજન થતા હોય છે કેમ કે આ પ્રોફેશનલ આયોજનોમાં મોડી રાત સુધી ચાલુ રહતા હોય જેથી શહેરના રહેણાંક વિસ્તારોમાં લોકોને તકલીફ ન પડે તે રીતે આયોજનો થતાં હોય છે. પરંતુ આ વર્ષે જામનગર શહેરના પોષ ગણાતા પાર્ક કોલોની, પંચવટી સોસાયટી, મહાવીર સોસાયટી વચ્ચે આવેલા ગીતા મંદિર સામેના ખુલ્લા મેદાનમાં જેન-ઝેડ ગરબાનું મેગા આયોજન કરવાની જાહેરાતથી વિસ્તારવાસીઓમાં ઉગ્ર રોષ ફેલાઇ ગયો છે. શહેરના પોષ વિસ્તારમાં ગરબાના પ્રોફેશનલ આયોજનમાં આશરે 4000 જેટલા ખેલૈયાઓ ગરબા રમી શકશે અને આ ગરબા રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે તેવી જાહેરાત આયોજક દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ આયોજનના કારણે આજુ-બાજુના વિસ્તારમાં રહેતા લોકો માટે આયોજન માથાનો દુ:ખાવો અને ન્યુસન્સ ઉભુ કરે તેવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. કેમ કે આ મેગા આયોજનના કારણે રાત્રિ દરમ્યાન મોટા અવાજો મોડી રાત સુધી થતા હોવાના કારણે વિસ્તારમાં રહેતા પરીક્ષાર્થીઓ, સીનીયર સીટીઝનો અને બીમાર લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.

- Advertisement -

આ મેગા આયોજન રહેણાંક વિસ્તારમાં કરવામાં આવતા વિસ્તારના લોકો તથા જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટર આશિષ જોશી, મિથિલ માડમ, કેતનભાઇ દોડિયા, જે.એ.વોરા, એડવોકેટ હેમલ ચોટાઇ તથા મહિપાલસિંહ જાડેજા સહિતના લોકો દ્વારા આ ગરબાનું મેગા આયોજનને મંજૂરી ન આપવા માટે મ્યુ. કમિશનર જિલ્લા પોલીસવડા કલેકટર સહિતનાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી રહેવાસીઓને ગરબાના આયોજનને કારણે 9 દિવસ ત્રાસ સહન ન કરવો પડે તે માટે આયોજન રદ કરવાની માગણી કરવામાં આવી હતી. કેમ કે જામનગર સહિત ગુજરાતમાં ગરબાના આયોજનો મોટે ભાગે મોડી રાત સુધી ચાલતા હોય છે. જેના કારણે શહેરમાં થતા આ ધાર્મિક ઉત્સવમાં રહેવાસીઓ માટે માથાના દુ:ખાવા સમાન બની રહેશે ઉપરાંત વધુમાં મળતી વિગત મુજબ જો આ ગરબાનું આયોજનને મંજૂરી આપવામાં આવશે તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય બાબત એ છે કે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવાની કોઇને તકલીફ ન હોય પરંતુ સ્થાનિક રહેવાસીઓની તકલીફના ભોગે શહેરના રહેણાંક વિસ્તારમાં આવા મેગા આયોજનની મંજૂરી જ કોઇપણ વહીવટી તંત્રએ આપવી ન જોઇએ.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular