સાબરકાંઠાના હિંમતનગર નજીક અંબાજી ભાદરવી પૂનમે પગપાળા જઈ રહેલા ભક્તોના સંઘ પર એક પૂરઝડપે આવતી સ્કોર્પિયો ગાડી ફરી વળી હતી. આ ગંભીર અકસ્માતમાં 10થી વધુ પદયાત્રીઓ અડફેટે આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન એક પદયાત્રીનું મોત નીપજ્યું છે.
હિંમતનગર રૂલર પોલીસની હદમાં ઢોળાસર / દોલગઢ પાટિયા પાસે સ્કોર્પિયો ચાલકે પોલીસના બેરિકેડિંગ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.ચાલકે ભાગવાની લ્હાયમાં આગળના ૨ થી અઢી કિલોમીટર સુધી પદયાત્રીઓને અડફેટે લીધા હતા.સ્થાનિકો અને પદયાત્રીઓએ ગાડી ચાલકને પકડીને માર માર્યો હતો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ ગાડીને આગ ચાંપી દીધી હતી.108 મારફતે 12 ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન મોહનભાઈ વાઘરીનું મોત નીપજ્યું છે અને એક દર્દી ICUમાં સારવાર હેઠળ છે.
View this post on Instagram
ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


