Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ઓછા વરસાદ વચ્ચે જળસંકટની ચિંતા - VIDEO

જામનગરમાં ઓછા વરસાદ વચ્ચે જળસંકટની ચિંતા – VIDEO

ડેમોમાં ઘટ્યું પાણી, સૌની યોજના બની સહારો : શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા જાળવવા મહાનગરપાલિકાનું આગોતરું આયોજન : આખા વર્ષ માટે સૌની યોજનામાંથી પાણીની માંગણી, રોજ 10 થી 12 એમસીએફટી પાણી ઠાલવવાની કામગીરી

સપ્ટેમ્બરનો ત્રીજો સપ્તાહ પૂર્ણ થવાના આરે છે, પરંતુ જામનગર જિલ્લામાં હજુ સુધી અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી. ઓછા વરસાદની સીધી અસર જિલ્લાના જળાશયો પર જોવા મળી રહી છે. મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઘટી ગયો છે અને કેટલાક ડેમોમાં તળિયા દેખાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી થઈ છે. જોકે, જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીની અછત ઊભી ન થાય તે માટે અત્યારથી જ આગોતરું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા મુખ્યત્વે ચાર ડેમ અને નર્મદાના પાણી પર આધારિત છે. શહેરમાં દરરોજ અંદાજે 147 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેમાં રણજીતસાગર ડેમમાંથી ૩૫ એમએલડી, સસોઈ ડેમમાંથી 15 એમએલડી, આજી-3 ડેમમાંથી 40 એમએલડી અને ઊંડ-1 ડેમમાંથી 40 એમએલડી પાણી મેળવવામાં આવે છે. જ્યારે નર્મદા આધારિત વ્યવસ્થામાંથી 15 એમએલડી પાણીનો જથ્થો મળે છે. હાલ ઓછા વરસાદને કારણે સ્થાનિક જળસ્ત્રોતો પર પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે.

- Advertisement -

ડેમોની હાલની સ્થિતિ પર નજર કરીએ તો રણજીતસાગર ડેમમાં આશરે 50 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે આજી-3 ડેમમાં આશરે 61  ટકા પાણી ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. સૌથી ચિંતાજનક સ્થિતિ ઊંડ-1 ડેમની છે, જ્યાં આશરે 6 ટકા જ પાણીનો જથ્થો બાકી હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને જોતા સ્થાનિક જળસ્ત્રોતો પર આગામી સમયનો સંપૂર્ણ આધાર રાખવો મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને આગામી ઉનાળાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પાણીનું આયોજન કરવું જરૂરી બન્યું છે.

- Advertisement -

આ પરિસ્થિતિ વચ્ચે જામનગર મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના મારફતે ડેમોમાં પાણી ઠાલવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પીવાના પાણીની નિયમિત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાલમાં દરરોજ અંદાજે 10થી 12 એમસીએફટી પાણી ડેમોમાં ઠાલવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આગામી સમય માટે પણ જરૂરી પાણીનો જથ્થો મળી રહે તે માટે આખા વર્ષને ધ્યાનમાં રાખીને ત્રણ જથ્થાની માંગણી કરવામાં આવી છે. તંત્રનું આયોજન છે કે સૌની યોજનામાંથી પાણી મળતું રહે અને ડેમોમાં જરૂરી જથ્થો જાળવી શકાય તો શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો નહીં થાય.

મહાનગરપાલિકા દ્વારા આગામી જુલાઈ સુધી પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે અત્યારથી જ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ઓછા વરસાદને કારણે ડેમોની સ્થિતિ ભલે ચિંતાજનક બની હોય, પરંતુ સૌની યોજના મારફતે પાણીની આવક ચાલુ રહે તો શહેરમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સાથે જ પાણીનો ઉપયોગ કરતી વખતે નાગરિકો પણ સતર્ક રહે તે જરૂરી બન્યું છે.

તંત્ર દ્વારા જામનગર શહેરના નાગરિકોને નર્મદાના પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અને પાણીનો બગાડ નહીં કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ઓછા વરસાદના કારણે ડેમોમાં પાણી ઘટી રહ્યું છે, તો બીજી તરફ શહેરની વધતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સૌની યોજના પર આધાર વધ્યો છે. હવે આગામી સમયમાં વરસાદ કેવો રહે છે અને સૌની યોજનામાંથી કેટલો પાણીનો જથ્થો નિયમિત મળે છે, તેના પર જામનગરની પાણી વ્યવસ્થાની સ્થિરતા ઘણેખરે નિર્ભર રહેશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તે રીતે પાણી મળે તો વિતરણ વ્યવસ્થા ને કોઈ વિક્ષેપ નહિ પડે તેવો દાવો જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular