જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. ગઇકાલે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે ત્રણ દિવસ માટે સ્થાપના કરાયેલ ગણેશ મહોત્સવની મૂર્તિઓનું ભાવિક ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાએ બે સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવ્યા છે. જ્યાં ભાવિક ભક્તો મૂર્તિ વિસર્જન કરી રહ્યાં છે. ગઇકાલે ત્રીજા દિવસે આ કૂંડમાં એકજ દિવસમાં 328 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દુંદાળા દેવની પૂજા-અર્ચના કરી આસ્થાભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરી ગણપતિ બાપાને વિદાય આપી હતી.
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિદાયનો ક્રમ યથાવત્ રહ્યો છે. તા. 16 સપ્ટેમ્બરના ત્રીજા દિવસે શહેરના બંને વિસર્જન કુંડ ખાતે એક જ દિવસમાં કુલ 328 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ગણેશ વિસર્જનના ત્રણ દિવસમાં બંને કુંડ ખાતે મળીને કુલ 396 ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું છે.
ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘેર તેમજ વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત બંને કુંડ ખાતે લાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે.
ત્રીજા દિવસે ખંભાળિયા બાયપાસ ખાતે બનાવવામાં આવેલા વિસર્જન કુંડમાં સૌથી વધુ 274 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે આ કુંડમાં અત્યાર સુધીમાં કુલ 325 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે. અગાઉ બીજા દિવસે આ કુંડમાં 51 મૂર્તિઓનું વિસર્જન થયું હતું.
સરદાર રિવેરા નજીકના વિસર્જન કુંડમાં ત્રીજા દિવસે કુલ 54 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અગાઉ બીજા દિવસે આ કુંડમાં 17 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ સાથે સરદાર રિવેરા કુંડમાં અત્યાર સુધીમાં કુલ 71 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા વિસર્જન અહેવાલ મુજબ, તા. 15 સપ્ટેમ્બરના બીજા દિવસે બંને કુંડમાં કુલ 68 મૂર્તિઓનું વિસર્જન થયું હતું, જ્યારે તા. 16 સપ્ટેમ્બરના ત્રીજા દિવસે એક જ દિવસમાં 328 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં 274 તથા સરદાર રિવેરા કુંડમાં 54 મૂર્તિઓનો સમાવેશ થાય છે.
આમ, ખંભાળિયા બાયપાસ કુંડમાં અત્યાર સુધીમાં કુલ 325 અને સરદાર રિવેરા કુંડમાં કુલ 71 મળી બંને વિસર્જન કુંડમાં ત્રણ દિવસમાં કુલ 396 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
પર્યાવરણની જાળવણી સાથે ગણેશજીની વિદાયની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નિર્ધારિત કરવામાં આવેલા બંને વિસર્જન કુંડનો ગણેશ ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


