જામનગર સહિત હાલાર પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ગઇકાલે રાત્રિના સમયે મેઘરાજાએ જામનગરમાં તોફાની બેટીંગ કરતાં માત્રે બે કલાકમાં ચાર ઇં વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન છ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જોડિયામાં ત્રણ, ધ્રોલમાં બે, કાલાવડમાં પોણો, લાલપુરમાં દોઢ, જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને રાહત મળી હતી. તો બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઇ હતી.
ગઇકાલે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના આગમન સાથે શહેર-જિલ્લામાં મેઘરાજાની પણ ફરી પધરામણી થઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે સવારથી જામનગરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. સવારે વરસાદી ઝાપટા વચ્ચે લોકોએ ગણપતિજીની સ્થાપના કરી હતી. તો બપોરબાદ ફરી વાદળો છવાતા વરસાદ વધતો ગયો હતો. ખાસ કરીને રાત્રિના સમયે જામનગર શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને માત્ર બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી જતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના લાંબા વિરામ બાદ ધુંઆધાર બેટીંગથી શહેરીજનો ખુશખુશાલ થયા હતા. રાત્રિના સમયે થયેલા વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
View this post on Instagram
રાત્રે બેથી ચાર દરમ્યાન માત્ર બે કલાકમાં જામનગરમાં ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યે પુરા થતાં ચોવીસ કલાક દરમ્યાન જામનગરમાં પોણા છ ઇંચ (142 મીમી), જોડિયા તાલુકામાં 3 ઇંચ (70 મીમી), ધ્રોલ તાલુકામાં સવા બે ઇંચ (58 મીમી), કાલાવડ તાલુકામાં પોણો ઇંચ (17 મીમી), લાલપુર તાલુકામાં 1ાા ઇંચ (34 મીમી), જામજોધપુર તાલુકામાં 2.5 ઇંચ (63 મીમી) વરસાદ વરસ્યો હતો.
ગ્રામ્ય તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર તાલુકાના વસઇમાં 62 મીમી, લાખાબાવળમાં 55 મીમી, મોટી બાણુંગારમાં 95 મીમી, ફલ્લામાં 50 મીમી, જામવંથલીમાં 60 મીમી, મોટી ભલસાણમાં 45 મીમી, અલિયાબાડામાં 45 મીમી, દરેડમાં 59 મીમી, જોડિયા તાલુકાના હડિયાણામાં 30 મીમી, બાલંભામાં 50 મીમી, પીઠડમાં 40 મીમી, ધ્રોલ તાલુકાના લતીપુરમાં 43 મીમી, જાલિયાદેવાણીમાં 15 મીમી, લૈયારામાં 22 મીમી, કાલાવડ તાલુકાના નિકાવામાં 10 મીમી, ખરેડીમાં 10 મીમી, મોટા વડાળામાં 15 મીમી, ભલસાણ બેરાજામાં 30 મીમી, નવાગામમાં 20 મીમી, મોટા પાંચદેવડામાં 26 મીમી, જામજોધપુર તાલુકાના સમાણામાં 45 મીમી, શેઠવડાળામાં 35 મીમી, જામવાડીમાં 47 મીમી, વાંસજાળિયામાં 38 મીમી, ધુનડામાં 48 મીમી, ધ્રાફામાં 40 મીમી, પરડવામાં 52 મીમી, લાલપુર તાલુકાના પીપરટોડામાં 9 મીમી, પડાણામાં 11 મીમી, ભણગોરમાં 22 મીમી, મોટા ખડબામાં 7 મીમી, મોડપરમાં 8 મીમી, હરિપરમાં 25 મીમી વરસાદ વરસ્યો હતો.
જામનગર શહેર-જિલ્લામાં થયેલા વરસાદથી ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લહેર છવાઇ છે. વરસાદના પરિણામે માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જામનગર શહેરમાં પણ કેટલાંક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


