જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં હાલ રોડના કામો ચાલી રહ્યા છે ત્યારે વરસાદી વાતાવરણના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રોડના કામને કારણે રસ્તાઓ પર ભીની માટી, ખાડા અને કાદવની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગર વિસ્તારમાં આજે સવારના સમયે એક વેગનઆર કાર ભીના માર્ગ અને કાદવ વચ્ચે ફસાઈ ગઈ હતી. કાર ફસાઈ જતાં વાહન રસ્તાની વચ્ચે જ ઉભું રહી ગયું હતું, જેના કારણે અન્ય વાહનચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
View this post on Instagram
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડના કામો ચાલી રહ્યા હોવા છતાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે ભીના માટીવાળા માર્ગો અને ખાડાઓ વચ્ચે વાહનચાલકો માટે જોખમી સ્થિતિ ઊભી થઈ રહી છે.
આ સમગ્ર મામલે યુવક કોંગ્રેસ જામનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા (ડાડા) સ્થળ પર પહોંચ્યા હતા અને રોડની સ્થિતિનું નિરીક્ષણ કરી હકીકત ઉજાગર કરી હતી. તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી અને રોડ કામના આયોજન તથા કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા.
વરસાદ દરમિયાન રોડના કામના કારણે પ્રજાને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ રસ્તાઓ પર સર્જાયેલી કાદવ અને ખાડાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.


