ભારતીય ઘરોમાં સવારની શરૂઆત ચા વિના અધૂરી ગણાય છે. પરંતુ, ચા ગાળવા માટે વપરાતી ગરણી જો ગંદી કે જામ થયેલી હોય તો તે માત્ર ચાનો સ્વાદ જ નથી બગાડતી, પણ આરોગ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે. ગરણીની યોગ્ય સફાઈ અને જાળવણી વિશે જાણવું દરેક રસોડા માટે જરૂરી છે.
ચા ની ગરણી શા માટે જામી જાય છે?
- ચા ની પત્તી અને દૂધની ચીકાશ: ચા ગાળતી વખતે પત્તીના અતિ બારીક કણો અને દૂધમાં રહેલી ફેટ ગરણીના નાના કાણામાં ભરાઈ જાય છે.
- નિયમિત સફાઈનો અભાવ: રોજ માત્ર પાણીથી ધોવાથી આ ચીકાશ દૂર થતી નથી, જે સમય જતાં સુકાઈને કાળી અને કડક બની જાય છે.
કેટલા સમયે સાફ કરવી?
- દૈનિક સફાઈ: દર વખતે ચા ગાળ્યા પછી તરત જ તેને સાબુ અને પાણીથી બ્રશ વડે સાફ કરવી જોઈએ.
- ઊંડાણપૂર્વક સફાઈ : અઠવાડિયામાં એક કે બે વાર તેને ગરમ પાણી, બેકિંગ સોડા અથવા ગેસની આંચ પર રાખીને સંપૂર્ણ સાફ કરવી.
કેવી રીતે સાફ કરવી?
- સ્ટીલની ગરણી માટે: ગરણીને ધીમા ગેસ પર 1-2 મિનિટ બાળો. અંદર જામેલો કચરો બળી જશે, પછી ઠંડી પડે એટલે જૂના ટૂથબ્રશ અને સબુથી ઘસીને ધોઈ લો.
- બેકિંગ સોડા અને વિનેગર: ગરમ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા અને વિનેગર ઉમેરી ગરણીને 15 મિનિટ પલાળી રાખો, ત્યારબાદ બ્રશથી સાફ કરો.
પ્લાસ્ટિકની ગરણી વાપરતી વખતે રાખવાની સાવચેતી
- ગરમ આંચથી દૂર રાખવી: પ્લાસ્ટિકની ગરણીને ક્યારેય ગેસ પર ન બાળવી, નહીં તો તે ઓગળી જશે.
- ગરમ ચાથી કેમિકલનું જોખમ: વધારે પડતી ઉકળતી ચા પ્લાસ્ટિકમાંથી ગાળવાથી પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો (માઇક્રોપ્લાસ્ટિક) ચામાં ભળવાની શક્યતા રહે છે.
કેવી ગરણી વાપરવી વધુ સારું?
- સ્ટીલની ગરણી : પ્લાસ્ટિક કરતા સ્ટીલની ગરણી વાપરવી સૌથી શ્રેષ્ઠ છે. તે ટકાઉ, સ્વચ્છ અને આરોગ્ય માટે સંપૂર્ણ સલામત છે.
કેટલા સમયે ગરણી બદલવી?
- દર 6 થી 12 મહિને: જો ગરણી સ્ટીલની હોય અને તેના કાણા તૂટી જાય કે કાળા દાગ ન નીકળે, તો તેને બદલી નાખવી.
- પ્લાસ્ટિકની ગરણી: દર 3 થી 6 મહિને બદલી નાખવી જોઈએ, કારણ કે પ્લાસ્ટિક જૂનું થતાં તેમાં બેક્ટેરિયા જમા થાય છે.
નવી ગરણી લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- જાળીની ગુણવત્તા: સ્ટીલ ફૂડ-ગ્રેડ હોવું જોઈએ જેથી કાટ ન લાગે.
- જાળીનું માપ: અતિ બારીક જાળીવાળી ગરણી પસંદ કરવી જેથી ચાની પત્તી કપમાં ન આવે.
- મજબૂત હેન્ડલ: ગરણીનું હેન્ડલ મજબૂત અને પકડવામાં સરળ હોવું જોઈએ.
રસોડાની નાની દેખાતી ચાની ગરણી આપણા સ્વાસ્થ્ય સાથે સીધી જોડાયેલી છે. સ્ટીલની ગરણીનો ઉપયોગ કરવો અને તેને નિયમિતપણે યોગ્ય રીતે સાફ રાખવી એ જ સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્યની ચાવી છે.
(અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ઘરગથ્થુ સફાઈના ઉપાયો અને જાહેરમાં ઉપલબ્ધ જાણકારી પર આધારિત છે.ચોક્કસ પરિણામો માટે કે કોઈપણ નુકસાન, માટે ખબર ગુજરાત જવાબદાર રહેશે નહીં.)


