આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતો હોય છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરના શિવાલયો રોશનીના શણગારથી ઝગમગી ઉઠયા છે રાત્રીના સમયે શિવ મંદિરોના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ભગવાન શિવને સમર્પિત હિન્દુ ધર્મના પાવન પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇ જામનગર સહિત હાલાર પંથકમાં શિવ ભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં અનેક નાના મોટા શિવ મંદિરો આવેલા છે. આવતીકાલથી આગામી એક મહિના સુધી શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને ૐ નમ શિવાયનો નાદ ગુંજી ઉઠશે. શિવ ભકતો જળાભિષેક, દુધાભિષેક, બિલ્વપત્ર અર્પણ કરી ભગવાન ભોળાનાથને રીઝવવા પ્રયાસ કરશે જેને લઇ શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.


આવતીકાલથી પ્રારંભ થતાં શ્રાવણ માસને લઇને જામનગર શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના મોટા શિવ મંદિરોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. શિવ મંદિરોમાં રંગબેરંગી લાઇટો અને રોશનીના શણગારથી શિવમંદિરો દિપી ઉઠયા છે. ખાસ કરીને રાત્રીના સમયે શિવાલયોમાં રોશનીના ઝગમગાટથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શ્રાવણ માસને લઇ મંદિરો દ્વારા ભકતોની ભીડને ઘ્યાને રાખી તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.


