Saturday, August 8, 2026
Homeરાજ્યગુજરાતમાલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026માં જામનગરના નચિકેતા ગુપ્તા ગોલ્ડન ચેમ્પિયન- VIDEO

માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026માં જામનગરના નચિકેતા ગુપ્તા ગોલ્ડન ચેમ્પિયન- VIDEO

જામનગર સિંચાઈ વિભાગના વર્ગ-2 ના અધિકારીએ સરકારી ફરજ સાથે રમતગમતમાં દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું

એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક રમત સ્પર્ધાઓ પૈકીની એક એવી ‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-૨ તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ભવ્ય વિજય સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા સમગ્ર ગુજરાતના પ્રથમ કયાકર બનવાનું બહૂમાન મેળવ્યું છે.

- Advertisement -

કેરળના કોઝિકોડ જિલ્લાના ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના અતિ તીવ્ર અને ખતરનાક રેપિડ્સ પર યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત  10 થી વધુ દેશોના શ્રેષ્ઠ કાયકરોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની ‘બોટર ક્રોસ’ અને ‘ડાઉનરિવર રેસ’ જેવી કઠિન ઇવેન્ટ્સમાં નચિકેતા ગુપ્તાએ પોતાની અસાધારણ ઝડપ, શ્રેષ્ઠ સંતુલન, તકનીકી કૌશલ્ય અને જોખમ વચ્ચે ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાથી વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડીને આ ઝળહળતી સફળતા મેળવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, કાયકિંગ એ વિશ્વની અત્યંત પ્રતિષ્ઠિત રમત છે અને તેની કેટલીક શાખાઓ ઓલિમ્પિકમાં પણ સામેલ છે. જેમાં ‘વ્હાઇટ વોટર કાયકિંગ’ને સૌથી વધુ સાહસિક માનવામાં આવે છે. પર્વતીય નદીઓના તેજ પ્રવાહ, વિશાળ મોજાં અને ખડકો વચ્ચે કાયક ચલાવવા માટે અસાધારણ તકનીક અને મજબૂત શારીરિક તથા માનસિક ધૈર્યની જરૂર પડે છે.

- Advertisement -

સરકારી સેવાની વ્યસ્ત અને જવાબદારીપૂર્વકની ફરજોની સાથે-સાથે અવિરત મહેનત અને કઠોર તાલીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુકામ હાંસલ કરનાર નાચિકેતા ગુપ્તા આ પૂર્વે સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક રમતોમાં પણ ગુજરાતનું સફળ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

પોતાની આ ઐતિહાસિક સિદ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતા નાચિકેતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેમ્પિયન બનવું એ મારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. મારી ઈચ્છા છે કે આ સિદ્ધિથી પ્રેરિત થઈને ગુજરાતના વધુને વધુ યુવાનો વ્હાઇટ વોટર કાયકિંગ જેવી રોમાંચક અને સાહસિક રમતો તરફ આગળ વધે.

નાચિકેતા ગુપ્તાની આ સિદ્ધિ માત્ર એક મેડલ પૂરતી સીમિત ન રહેતા ગુજરાતના સાહસિક રમતગમતના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરે છે અને રાજ્યમાં વ્હાઇટ વોટર કાયકિંગ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ સૂચવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular