જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મુદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના 2100 જેટલા દુકાન ધારકો/કોર્મશીયલ એકમોને ન્યુસન્સ નોટીસ અપાઇ હતી. તેમ છતાં તકેદારી ન રાખવામાં આવતા 387 આસામીઓ/દુકાનધારકો પાસેથી જાહેરમાં ન્યુસન્સ બદલ રૂા.2.29 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં કોર્મશીયલ એકમો દ્વારા પોતાના ધંધા, એકમો, દુકાનો, દુકાન ધંધા આજુબાજુ સ્વચ્છતા જાળવતા ન હોય, દુકાન પાસે ડસ્બીન રાખતા ન હોય કે રાત્રે બંધ કર્યા બાદ કચરો જાહેરમાં નિકાલ કરતા હોય તેવા ન્યુસન્સ કરતા આસામી/ધંધાર્થીઓ સામે પગલા લેવા જામનગર મહાનગરપાલિકા કમિશ્નર દિપેશ કેડીયા દ્વારા સુચના અપાઇ હતી. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના 2100 જેટલા દુકાનધારકો/કોર્મશીયલ એકમોને ન્યુસન્સ નોટીસો ઇસ્યુ કરી પોતાના એકમો/ધંધા આજુબાજુ સ્વચ્છતા જાળવવા સુચના આપી હતી.

આમ છતાં દુકાનધારકો/ધંધાર્થીઓ દ્વારા પોતાના એકમોનો કચરો જાહેરમાં નિકાલ કરવા, ડસ્બીન ન રાખવા તથા રાત્રે દુકાન/ધંધો બંધ કરી પોતાના ધંધાનો કચરો જાહેરમાં નિકાલ કરતા હોય આ અંગે ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતાં. અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 387 આસામીઓ/દુકાનધારકો પાસેથી જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા બદલ રૂા.2.29 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ કોર્મશીયલ એકમો, ધંધાર્થીઓ, દુકાનધારકોને પોતાના દુકાન/ધંધા આજુબાજુ સ્વચ્છતા જાળવવા, કચરાને પોતાના જ ડસ્ટબીનમાં રાખવા અને મનપાના કાર્બેજ કલેકશન વાહનમાં જ નિકાલ કરવા તાકીદ કરવામાં આવી છે. તથા શહેરના જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવામાં યોગદાન આપવા અનુરોધ કરાયો છે.


