Saturday, August 1, 2026
Homeરાજ્યજામનગરસનસનાટી હત્યાકાંડમાં પોલીસ રિમાન્ડ દરમિયાન ખુલી વિસ્ફોટક વિગતો... VIDEO

સનસનાટી હત્યાકાંડમાં પોલીસ રિમાન્ડ દરમિયાન ખુલી વિસ્ફોટક વિગતો… VIDEO

જામનગરમાં 26 મહિના જૂના હત્યાકાંડનો પોલીસ દ્વારા સનસનાટીભર્યો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતકની પત્નીએ પોતાના પૂર્વ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી પતિની હત્યાનું કાવતરું રચ્યું હતું. હત્યા કર્યા બાદ મૃતદેહને અંદાજે 12થી 13 ફૂટ ઊંડા ખાડામાં દફનાવી દેવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાને લગભગ 26 મહિના સુધી ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

પોલીસ તપાસ મુજબ મૃતક જિગ્નેશ માવદિયા અને પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન વચ્ચે અંદાજે આઠ વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. તે સમયે જિગ્નેશ કામકાજ અર્થે દ્વારકામાં રહેતો હતો. બંનેએ બાદમાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન બંને દ્વારકા અને ત્યારબાદ પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં રહેતા હતા. દંપતીને બે દીકરીઓ પણ છે.

- Advertisement -

પોલીસના જણાવ્યા મુજબ પૃથ્વીબેનનો લગ્ન પહેલાં નિલેશ સાથે પ્રેમસંબંધ હતો, જે બાદમાં તૂટી ગયો હતો. જોકે લગ્નજીવન દરમિયાન આર્થિક મુશ્કેલીઓ અને પતિ-પત્ની વચ્ચે થતા અવારનવારના ઝઘડાઓ વચ્ચે પૃથ્વી ફરી પોતાના પૂર્વ પ્રેમી નિલેશના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ફરી સંબંધ શરૂ થયા બાદ જિગ્નેશને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લેવાયો હોવાનો પોલીસનો દાવો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે નિલેશે જિગ્નેશને નવો વ્યવસાય શરૂ કરવાની લાલચ આપી જામનગર બોલાવ્યો હતો. જિગ્નેશનું મૂળ વતન જામનગર હોવાથી તે તૈયાર થઈ ગયો હતો. ત્યારબાદ દરેડ વિસ્તારમાં આવેલા શિવમ પાર્ક ખાતે એક કારખાનું ભાડે લેવામાં આવ્યું હતું.

- Advertisement -

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે હત્યાના ત્રણ દિવસ પહેલાં જ મશીનરી સ્થાપવાની વાત કહી કારખાનામાં અંદાજે 13 ફૂટ ઊંડો ખાડો ખોદાવવામાં આવ્યો હતો. 31 મે, 2024ની રાત્રે નિલેશે જિગ્નેશને દારૂની પાર્ટીના બહાને કારખાનામાં બોલાવ્યો હતો. પોલીસની તપાસમા સામે આવ્યુ કે દારૂમાં સાયનાઈટ ભેળવી તેને પીવડાવવામાં આવ્યું, જેના કારણે તેનું મોત થયું હતું. ત્યારબાદ મૃતદેહને પહેલેથી તૈયાર કરાયેલા ખાડામાં દફનાવી દેવામાં આવ્યો હતો.

હત્યા બાદ થોડા જ દિવસોમાં કારખાનું ખાલી કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ મૃતકના પરિવારજનોને સતત એવી માહિતી આપવામાં આવતી રહી કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરી રહ્યો છે અને કોઈનો સંપર્ક રાખવા માંગતો નથી. પરિવારજનો લગભગ બે વર્ષ સુધી આ વાતને સાચી માની બેઠા હતા.

જોકે બાદમાં પરિવારના એક સભ્યએ ઓસ્ટ્રેલિયા જઈ જિગ્નેશને મળવાની ઇચ્છા વ્યક્ત કરતાં સમગ્ર ઘટનામાં શંકા ઊભી થઈ હતી. ત્યારબાદ જિગ્નેશ ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને અનેક ટેક્નિકલ અને પરિસ્થિતિજન્ય પુરાવા મળ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્યારબાદ દરેડના શિવમ પાર્ક વિસ્તારમાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 10થી 12 કલાક સુધી ચાલેલા ખોદકામ બાદ 12થી 13 ફૂટ ઊંડાઈમાંથી માનવ હાડપિંજરના અવશેષ મળી આવ્યા હતા. આ અવશેષોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ડીએનએ સહિતની વૈજ્ઞાનિક તપાસ બાદ અંતિમ ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે મૃતકની પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન, તેના પૂર્વ પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટિયા તથા તેના મિત્ર બલવીર દેવરામ વર્માની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, જ્યારે કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે.

પોલીસ તપાસ હવે એ દિશામાં પણ આગળ વધી રહી છે કે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ સાયનાઈટ ક્યાંથી અને કેવી રીતે મેળવવામાં આવ્યું હતું. ઉપરાંત સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

લગભગ 26 મહિના સુધી જમીનની નીચે દફનાયેલું આ રહસ્ય આખરે પરિવારની શંકા અને પોલીસની ઝીણવટભરી તપાસ બાદ બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાએ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ દ્વારા હજુ પણ વિવિધ પાસાઓની તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular