જામનગરના નાનકપુરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને સંત કંવરરામ ચોક વિસ્તારમાં વીજળી અવારનવાર બંધ થઈ જતાં રહેવાસીઓના દૈનિક જીવનને અસર પહોંચી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાનકપુરી વિસ્તારમાં આવેલ ગુરુ નાનક મંદિરમાં વીજળીનું ડાયરેક્ટ જોડાણ આપવામાં આવ્યું હોવાના કારણે નજીકના વીજ થાંભલા પર વધારાનો લોડ આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ બાબતે સ્થાનિકોએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે રજૂઆત કરતા સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેમના દ્વારા “તમારાથી થાય તે કરી લ્યો” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ પીજીવીસીએલ (PGVCL)ના અધિકારીઓને સમગ્ર મામલે સ્થળ તપાસ કરી હકીકત જાણી, જો કોઈ અનધિકૃત વીજ જોડાણ અથવા નિયમોનો ભંગ થયો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નાનકપુરી અને સંત કંવરરામ ચોક વિસ્તારમાં વારંવાર સર્જાતી વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.


