Friday, July 24, 2026
Homeરાજ્યહાલારભાટવડિયા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી

ભાટવડિયા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી

રૂા. 1.80 લાખની માલમત્તાની ચોરી : નળિયા ઉંચકી પાડોશી માલમત્તા ઉસેડી ગયો : રૂા. 1.59 લાખના મુદામાલ સાથે પાડોશી તસ્કર ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે બે દિવસ અગાઉ બનેલા ઘરફોડ ચોરીના ચકચારી બનાવનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ગણતરીના સમયમાં જ સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ફરિયાદીના મકાનના નળિયા ઉંચકાવીને મસમોટી ચોરી આચરનાર બીજું કોઈ નહીં પણ તેમની બાજુમાં જ રહેતો પાડોશી નીકળતા પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. પોલીસે આરોપી પાસેથી ચોરીની મોટાભાગની રોકડ રકમ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે રહેતા બાબુભાઈ કેશાભાઈ સોનગરાના મકાનમાં બે દિવસ અગાઉ તસ્કરે છતના નળિયા ઉંચકાવી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને ઘરમાં ટાંકીમાં રાખેલી રૂા.1.80 લાખની રોકડ રકમ ચોરી લીધી હતી. આ અંગે મકાનમાલિકે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની ખાસ સૂચનાથી એલ.સી.બી. પીઆઈ એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા પીએસઆઈ એમ.આર. સવશેટાની અલગ અલગ ટીમો બનાવી ચોરીનો ઉકેલ લાવવા માટે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન એલ.સી.બી.ના એએસઆઈ કિશોર નંદાણીયા, ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને ચોરી અંગેની અત્યંત મહત્વપૂર્ણ અને ચોક્કસ માહિતી મળી હતી.મળેલી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફરિયાદી બાબુભાઈના મકાનની બાજુમાં જ રહેતા સામત લખુભાઈ સોનગરા નામના શખ્સની અટકાયત કરી ઉમદા પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી સામત પાસેથી ચોરી થયેલ રોકડા રૂપિયા 1,58,000 તથા એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 1,59,000નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. ઘરફોડ ચોરીનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યા બાદ એલ.સી.બી. પોલીસે આરોપી સામત સોનગરાની વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ અને કાનૂની કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular