દ્વારકા નજીક અજાણ્યા મોટરકારના ચાલકે મોટરસાયકલમાં સવાર યુવતીને હડફેટે લેતાં મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ રોહિતભાઈ સોલંકીના પરિણીત સાળી સંગીતાબેન રાજુભાઈ કોસ્તી (ઉ.વ.23) તેમજ તેમના સાઢુભાઈ મનીષભાઈ દેવાભાઈ જોગસયા એમ બંને મોટરસાયકલ લઇને દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમ્યાન રવિવારે રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે દ્વારકાથી આશરે 24 કિ.મી. દૂર ઓખા મઢી ગામથી આગળના હાઈવે માર્ગ પર તેમણે કોઈ કારણોસર પોતાનું મોટરસાયકલ ઊભું રાખ્યું હતું. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક ફોર વ્હિલરના ચાલકે તેમના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં સંગીતાબેનને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મનિષભાઈને પણ પગમાં ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો ફોર વ્હિલર ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે રોહિતભાઇ સોલંકીની ફરિયાદના આધારે પી.એસ.આઈ. પી.કે. ડાંગર તથા સ્ટાફે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


