ભારતીય રેલ્વે માત્ર પરિવહનનું માધ્યમ નથી, પરંતુ તે ભારતની જીવાદોરી છે. છેલ્લા 170થી વધુ વર્ષોમાં ભારતીય રેલ્વેએ દેશના ખૂણે-ખૂણાને જોડવાનું કામ કર્યું છે. 1853માં ધુમાડા છોડતા સ્ટીમ એન્જિનથી શરૂ થયેલી આ સફર આજે પર્યાવરણને અનુકૂળ અને અત્યાધુનિક ‘હાઇડ્રોજન ટ્રેન’ સુધી પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે.ત્યારે આ સફર ભારતની ટેક્નોલોજીકલ પ્રગતિની એક જીવંત મિસાલ છે. રેલ્વેની આ અદ્ભુત સફર વિશે શું તમે તમારા બાળકોને જણાવ્યું છે? તો ચાલો અહી કેટલીક માહિતી જાણીએ..
1. રેલ્વેની શરૂઆત: સ્ટીમ એન્જિનનો સુવર્ણ યુગ
ભારતમાં રેલ્વે યુગની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી.
પહેલી ઐતિહાસિક સફર: 16 એપ્રિલ, 1853 ના રોજ દેશની સૌપ્રથમ પેસેન્જર ટ્રેન બોરી બંદર (મુંબઈ) થી થાણે વચ્ચે દોડી હતી.
અંતર અને સમય: આ ટ્રેને આશરે 34 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
એન્જિનની શક્તિ: આ ટ્રેનને ખેંચવા માટે સાહિબ, સિંધ અને સુલતાન નામના ત્રણ સ્ટીમ (વરાળ) એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ શરૂઆત પછી, દેશભરમાં રેલ્વે લાઈનો પાથરવાનું કામ ઝડપથી શરૂ થયું અને સ્ટીમ એન્જિનો ભારતીય અર્થતંત્રના મુખ્ય ચાલક બન્યા.
2. ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જિનનો પ્રવેશ
સમય જતાં વરાળથી ચાલતા એન્જિનો મર્યાદિત ગતિ અને વધુ પ્રદૂષણને કારણે પાછળ છૂટવા લાગ્યા. રેલ્વેને ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવા સંશોધનો થયા.
પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન: વર્ષ 1925માં મુંબઈમાં દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન (હાર્બર લાઇન પર) દોડાવવામાં આવી હતી.
ડીઝલ યુગ: ત્યારબાદ ભારે માલસામાન અને લાંબા અંતરની મુસાફરી માટે શક્તિશાળી ડીઝલ એન્જિનો વસાવવામાં આવ્યા.
શ્રેષ્ઠતા તરફ પ્રયાણ: 20મી સદીના ઉત્તરાર્ધમાં રેલ્વે ટ્રેકોના ઝડપી વીજળીકરણ પર ભાર મૂકવામાં આવ્યો, જેનાથી મુસાફરીનો સમય ઘણો ઘટી ગયો અને પ્રદૂષણમાં ઘટાડો થયો.
3. આધુનિકીકરણ અને વંદે ભારતનો દબદબો
આજે ભારતીય રેલ્વે ગતિ, સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે.
સેમી-હાઇ સ્પીડ ટ્રેનો: સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી ‘વંદે ભારત એક્સપ્રેસ’ આજે ભારતીય રેલ્વેનો નવો ચહેરો બની ગઈ છે.
ટેક્નોલોજી અને સુવિધા: જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, ઓટોમેટિક દરવાજા, અને મુસાફરોની સુરક્ષા માટે ‘કવચ’ જેવી એન્ટી-કોલિઝન સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે.
4. ગ્રીન રેવલ્યુશન: ભારતની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’
હવે ભારતીય રેલ્વે પ્રદૂષણ મુક્ત અને ગ્રીન એનર્જી તરફ મક્કમ પગલાં ભરી રહી છે. આ કડીમાં સૌથી મોટું ક્રાંતિકારી પગલું એટલે હાઇડ્રોજન ટ્રેન (જેને ‘વંદે મેટ્રો હાઇડ્રોજન’ પણ કહેવામાં આવે છે).
હાઇડ્રોજન ટ્રેનના ફાયદા અને વિશેષતાઓ:
સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી: આ ટ્રેન પાણી અને ઓક્સિજનના કેમિકલ રિએક્શનથી વીજળી મેળવીને ચાલે છે. આ પ્રક્રિયામાં ધુમાડાને બદલે માત્ર પાણીની વરાળ જ બહાર નીકળે છે.
અવાજ મુક્ત મુસાફરી: ડીઝલ એન્જિનના ભારે અવાજથી વિપરીત, આ ટ્રેન એકદમ શાંતિથી દોડે છે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે.
આધુનિક સુવિધાઓ: આ 10 કોચ વાળી ટ્રેન અદભુત આંતરિક સજાવટ, મોટી વિન્ડો, એર કંડિશનિંગ અને આધુનિક સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે.
5. ક્યાં દોડશે અને કેટલું હશે ભાડું?
દેશની આ પ્રથમ ગ્રીન ટ્રેન હરિયાણા રાજ્યના રેલ ટ્રેક પર દોડવા માટે સજ્જ થઈ ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે.
વાસ્તવિક રૂટ: આ ટ્રેન હરિયાણાના જીંદ (Jind) થી સોનીપત (Sonipat) વચ્ચેનો આશરે 89કિલોમીટરનો પ્રવાસ માત્ર 2 કલાકમાં પૂર્ણ કરશે.
સમયપત્રક: જીંદ થી સોનીપત (ટ્રેન નં. 74010): સવારે 07:40 વાગ્યે જીંદથી ઉપડીને 09:40 વાગ્યે સોનીપત પહોંચશે.
સોનીપત થી જીંદ (ટ્રેન નં. 74009): સવારે 10:40 વાગ્યે સોનીપતથી ઉપડીને બપોરે 01:00 વાગ્યે જીંદ પરત ફરશે.
મુખ્ય સ્ટોપેજ: આ મુસાફરી દરમિયાન ટ્રેન જીંદ સિટી, પાંડુ પિંડારા, લલિત ખેડા, ભામ્ભેવા, ઇશાપુર ખેરી, બુટાના, ખાંડરાઈ, ગોહાના, રાભરા, લાથ, મોહાના હરિયાણા અને બરવાસની એમ કુલ 12 સ્ટેશનો પર હોલ્ટ કરશે.
ભાડું : આ હાઇટેક ટ્રેન હોવા છતાં, સામાન્ય ભારતીય મુસાફરને ધ્યાનમાં રાખીને રેલ્વેએ તેનું ભાડું અત્યંત ઓછું રાખ્યું છે:
ન્યૂનતમ ભાડું: માત્ર ₹5
મહત્તમ ભાડું (આખા રૂટ માટે): માત્ર ₹25
બોરી બંદરથી શરૂ થયેલી સ્ટીમ એન્જિનની ધીમી અને ધુમાડાવાળી સફર આજે પર્યાવરણને અનુકૂળ હાઇડ્રોજન ટ્રેન સુધી પહોંચી ગઈ છે. હરિયાણાના પાટા પર દોડનારી આ દેશની પ્રથમ ટ્રેન ભારતના આત્મનિર્ભર બનવાના અને પર્યાવરણ પ્રત્યેની તેની જવાબદારીના એક નવા સુવર્ણ પ્રકરણની શરૂઆત છે.


