દ્વારકા નજીકના વરવાળા ગામે રહેતા અને સરકારી આરોગ્ય કેન્દ્રની સામે ગોહેલ એન્જિનિયરિંગ નામની દુકાન ધરાવતા વિનોદભાઈ ભીમજીભાઈ ગોહેલ (ઉ.વ. 38) નામના યુવાન શનિવાર તા. 11 ના રોજ રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે પોતાની દુકાન બંધ કરી અને ઘરે ગયા હતા. આ દુકાનમાં તેમણે તેમની હોટલના કામ ચાલી રહેલા કામમાં સિમેન્ટનું પેમેન્ટ કરવા માટે રાખેલી રૂ. પાંચ લાખની રોકડ રકમ તેમજ ઉપરના ખાનામાં છૂટક વેપારની રાખેલી રૂ. પચાસ હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા સાડા પાંચ લાખની રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ હતી.
ફરિયાદના આધારે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દ્વારકાના પીઆઈ એમ. જી. જાડેજા તેમજ પીએસઆઈ આર. એલ. ચોપડાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રકરણમાં મુખ્ય આરોપી ભરત હરિશભાઈ પાણખાણિયા (ઉ.વ. 21, રહે. વરવાળા) અને તેના મિત્ર મેરાજ હાજીભાઈ સપ (ઉ.વ. 19) નામના બે શખ્સોની અટકાયત કરી ચોરીની રોકડ રકમ રૂપિયા સાડા પાંચ લાખ તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવમાં મુખ્ય આરોપી ભરત પાણખાણિયા ફરિયાદી વિનોદભાઈ ગોહેલનો ભાણેજ થાય છે અને તેને હપ્તેથી મોટરકાર ખરીદવી હોય અને તેના માતા-પિતા ના કહેતા હોય, તેને પૈસાની આ જરૂરિયાત પૂર્ણ કરવા પોતાના મામાની દુકાનમાં હાથ ફેરો કર્યો હોવાનું પોલીસ પૂછપરછમાં જાહેર થયું છે. જ્યારે આ ચોરીમાં તેના મિત્ર મેરાજ હાજીભાઈ સપની પણ સંડોવણી ખુલવા પામી છે. આરોપી ભરત હરિશભાઈ પાણખાણિયા સામે પોરબંદરમાં દારૂ અને ચોરીના બે ગુનાઓ તેમજ અન્ય આરોપી મેરાજ સપ સામે પણ દ્વારકા પોલીસ મથકમાં પોક્સો એક્ટ સહિતના બે ગુનાઓ નોંધાયા હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર કાર્યવાહી પીઆઇ એમ.જી. જાડેજા, પીએસઆઈ આર. એલ. ચોપડા તેમજ સ્ટાફના રાણાભાઈ વાઘેલા, હરપાલસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, થારિયાભાઈ, કુલદીપભાઈ દુષ્યંતસિંહ, જેસાભાઈ અને દેવેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.


