Saturday, July 11, 2026
Homeરાજ્યજામનગરકનસુમરા પાસે ટેન્કર અને બાઇક અથડાતાં યુવાનનું મોત

કનસુમરા પાસે ટેન્કર અને બાઇક અથડાતાં યુવાનનું મોત

પાઠકફળી વિસ્તારના વણિક યુવાનનું સારવાર મળે તે પહેલાં જ નિધન : વૃદ્ધ માતાએ એકમાત્ર પુત્ર ગુમાવતાં કરુણ દ્રશ્યો સર્જાયા : પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી

જામનગર શહેરની ભાગોળે આવેલા કનસુમરા પાટિયા નજીક ગુરુવારે સવારે ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર
અકસ્માતમાં શહેરના પાઠક ફળી વિસ્તારમાં રહેતા યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પાઠક ફળી વિસ્તારમાં રહેતો મયૂર બિપીનભાઇ મકીમ નામનો યુવાન શુક્રવારે સવારે 9 વાગ્યાના અરસામાં તેના બાઇક પર કનસુમરા પાટિયા પાસેથી પસાર થતો હતો. તે દરમ્યાન પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા ટેન્કરે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં મયૂરને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફ સ્થળ પર તથા હોસ્પિટલ પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે ટેન્કરચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમ્યાન વધુ મળતી વિગત મુજબ મૃતક મયુર મકીમ જામનગરના પાઠક ફળી વિસ્તારમાં પોતાની વૃદ્ધ માતા સાથે રહેતા હતા. જ્યારે પરિવારનો એકમાત્ર આધારસ્તંભ ગણાતા પુત્રના અકાળે અવસાનથી વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત બાદ કનસુમરા પાટિયા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular