જામનગર જિલ્લા સહકારી બેંક લિ. દ્વારા ખેડૂતોના હિતને સર્વોચ્ય પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બેંક સાથે સંકળાયેલા ખેડૂતોને અકસ્માત વિમા સુરક્ષા હેઠળ રૂા.5.00 લાખનું કવર આપવામાં આવતુ હતુ. હવે બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સના નિર્ણયથી આ રકમમાં વધુ રૂા.5.00 લાખનો વધારો કરવામાં આવ્યો છે. જેના પરીણામે હવે કુલ અકસ્માત વિમા કવર રૂા.10.00 લાખ કરવામાં આવ્યું છે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતો અને તેમના 5રિવારને વધુ આર્થિક સુરક્ષા પુરી પાડવાનો છે. જેથી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સમયે પરિવારને સંકટનો સામનો કરવામાં સહાય મળી રહે. બેંકના ચેરમેન જીતેન્દ્ર એચ. લાલ તથા સર્વે બોર્ડ ઓફ ડીરેકટર્સોના સાથ અને સહકારથી લેવામાં આવેલો આ લોક કલ્યાણકારી નિર્ણય ખેડૂતોના વર્તમાન જીવન સાથે સાથે તેમની આગામી પેઢીના ભવિષ્યને પણ વધુ સુરક્ષિત અને સશકત બનાવવામાં મહત્વપુર્ણ સાબિત થશે.
જામનગર જિલ્લા સહકારી બેંક સતત ખેડૂતોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોને વધુ લાભદાયી યોજનાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા આ બેંકના ચેરમેન જિતેન્દ્ર એચ. લાલ તથા સર્વે બોર્ડ ઓફ ડીરેકટર્સો સતત પ્રયત્નશીલ છે અને રહેશે તેમ જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડની યાદી જણાવે છે.


