જામનગર શહેરના ખડખડનગર વિસ્તારમાંથી પસાર થતી કારની તલાશી લેતાં તેમાંથી 97 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. જામનગરના ખડખડનગરમાંથી બાઇક સવારને આંતરીને તલાશી લેવાતા તેની પાસેથી 25 નંગ ચપલા મળી આવતા ધરપકડકરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરની સુભાષ શાક માર્કેટમાંથી પોલીસે શખ્સને આંતરીને તલાશી લેતાં ચાર બોટલ દારૂ મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના નવાગામ (ઘેડ)માં આવેલા ખડખડનગર વિસ્તારમાંથી પસાર થતી ફોર્ડ ઇકો કારને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 29,100ની કિંમતના 97 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે રૂા. 1,75,000ની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 2,80,000ના મુદામાલ સાથે પોલીસે મુકેશ રાયમલ લોલાડિયા નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ આદરતાં વિક્કી ઠાકોરની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજો દરોડો જામનગરના ખડખડનગર વિસ્તારમાંથી જીજે10 ઇઇ 8972 નંબરના એક્સેસ પર પસાર થતાં શખ્સને આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 7500ની કિંમતના 25 નંગ દારૂના ચપલા મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો અને બાઇક મળી રૂા. 47,500નો મુદામાલ કબ્જે કરી મોહિત કાના ચાવડા નામના શખ્સની પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં અરજણ માંડણ જોગલનું નામ ખુલતા બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરમાં સુભાષ શાક માર્કેટ પાસે કોટવાળ ફળીમાંથી પસાર થતાં આકાશ મહેશ બારૈયા નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા. 16,694ની કિંમતની ચાર બોટલ દારૂ મળી આવતાં પોલીસે આકાશની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


