કાલાવડ સહિત હાલાર પંથકમાં સમયાંતરે કોઇને કોઇ સ્થળે દીપડો દેખાવાની ઘટના છેલ્લા થોડાંક સમયથી સામાન્ય બની ગઇ છે. જે તે વિસ્તારમાં દીપડો દેખાય તે વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ જાય છે. હાલ કાલાવડ તાલુકાના માછરડા ગામના વાડી વિસ્તારમાં મોડીરાત્રે દીપડો દેખાતાં વન વિભાગ એક્શનમાં આવી ગયું છે.
મળતી વિગત મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં થોડાંક સમયથી દીપડો દેખાવાની ઘટનાઓ વધી ગઇ છે. જે તે વિસ્તારમાં દીપડાના સગડ મળે ત્યારે વન વિભાગ આ દીપડાને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરતું હોય છે. દરમ્યાન ગત્ મોડીરાત્રિના સમયે કાલાવડ તાલુકાના માછરડા ગામના વાડી વિસ્તારમાં શિવુભા જાડેજાની વાડી પાસે દીપડો નજરે ચઢયો હતો. જો કે, આ સમયે સ્થાનિક ખેડૂતે સમયસૂચકતા વાપરી દીપડાનો વિડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ સરપંચને કરવામાં આવી હતી. વાડી વિસ્તારમાં દીપડો દેખાતા આજુબાજુના ગામોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. સરપંચ દ્વારા દીપડો દેખાયાની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી. જેના આધારે વન વિભાગે માછરડાની સીમમાં દેખાયેલા દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


