ભાણવડના રાણપરડા ગામના વાડી વિસ્તારમાં એક વિશાળકાય અજગર જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા તુરંત જ જાણીતા રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને જાણ કરવામાં આવી હતી.
અશોકભાઈ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અજગરે શિયાળનો શિકાર કર્યો હોવાનું જણાયું હતું. સામાન્ય રીતે પકડવા દરમિયાન અજગર પોતાનો ખોરાક બહાર કાઢી નાખતો હોય છે, પરંતુ આ અબોલ જીવને તકલીફ ન પડે અને તેનો શિકાર સુરક્ષિત રહે તેવા માનવીય અભિગમ સાથે ટીમે ખૂબ જ સિફતપૂર્વક આ વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં અશોકભાઈ ભટ્ટની સાથે ટીમના સોહિલ સહરવદિ, મેરામણ ભરવાડ, હરીશ વાઘેલા, વિજય ખૂંટી અને મિલન સક્રિયપણે જોડાયા હતા.
View this post on Instagram
આ અજગરને બેગમાં પૂરીને લઈ જવાના બદલે બોલેરો એનિમલ એમ્બ્યુલન્સમાં ખુલ્લો રાખીને બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં આર.એફ.ઓ. ભેસાણીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેને સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે મુખ્ય રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવા માટે અપૂરતા જ્ઞાન સાથે રેસ્ક્યુ કરતા નવા રેસ્ક્યુઅરોને લાલબત્તી ધરતા અપીલ કરી હતી કે, અબોલ જીવો સાથે ક્રૂરતા દાખવવી અયોગ્ય છે. પૂરતું જ્ઞાન ન હોય તો રેસ્ક્યુ કાર્ય ન કરવું જોઈએ તેમજ સ્થાનિક વન વિભાગને પણ આ અંગે વધુ કાર્યશીલ રહેવા અપીલ કરવામાં આવી હતી


