મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ ભગવાન મહાદેવ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને ભક્તિ સાથે આજે જામનગરમાં મહેશ નવમી પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા મહેશ્વરી સભા અને મહેશ્વરી સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મહેશ્વરી સમાજ માટે જેઠ સુદ નોમનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. સમાજની પરંપરા અને માન્યતા મુજબ આ દિવસને મહેશ્વરી સમાજના ઉત્પત્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને નમહેશ નવમીથ તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન અવસરને યાદગાર બનાવવા માટે જામનગર સ્થિત હેમેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
કાર્યક્રમની શરૂઆત ભગવાન મહાદેવના પૂજન, અભિષેક અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. ભક્તિભાવથી ઓતપ્રોત વાતાવરણ વચ્ચે સમાજના આગેવાનો અને ભક્તજનો દ્વારા મહાદેવની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શિખર પર વિધિવત્ રીતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણના પવિત્ર પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ હર હર મહાદેવ અને જય મહેશના જયઘોષ સાથે સમગ્ર પરિસરને ગુંજાવી દીધું હતું.
આ પ્રસંગે સમાજના ભાઈ-બહેનો પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાની સુંદર ઝાંખી જોવા મળી હતી. મહેશ નવમીના પર્વ નિમિત્તે સમાજના સભ્યોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી સમાજની એકતા, સંગઠન અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ મહેશ્વરી સમાજના ઇતિહાસ, મૂલ્યો અને સમાજસેવાના કાર્યો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મહેશનોમના આ પવિત્ર પર્વે જામનગરમાં ભક્તિ, શ્રદ્ધા અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું, જેમાં સમાજના દરેક વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
આ કાર્યક્રમમાં સમસ્ત મહેશ્વરી સમાજના ડીવાયએસપી સમીર સારડા, ઓમ દુદાણી, બી. કે. સાબુ, મનોજ મણિયાર, ભાવિન સારડા, રામ સારડા, સુરેશભાઇ મહેશ્વરી, બિહારીભાઇ, નિરજભાઇ, હિરેનભાઇ સહિતના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


