જામનગર અને આસપાસના જિલ્લાઓના હૃદયરોગના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આગામી અંદાજે છ મહિનાની અંદર અત્યાધુનિક કેથ લેબ (Cath Lab) શરૂ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની દ્વારા જામનગરની એમ. પી . શાહ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી.

આધુનિક આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટ હેઠળ હોસ્પિટલમાં હૃદયરોગના નિદાન અને સારવાર માટે જરૂરી તમામ અદ્યતન મશીનો અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો, ટેક્નિશિયન અને પેરામેડિકલ સ્ટાફની ટીમ પણ કાર્યરત કરવામાં આવશે, જેથી દર્દીઓને એક જ સ્થળે ગુણવત્તાસભર સારવાર મળી શકે.
View this post on Instagram
હાલમાં કેથ લેબની સુવિધા મુખ્યત્વે ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓને સારવાર માટે મોટો ખર્ચ સહન કરવો પડે છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં આયુષ્માન ભારત યોજના સહિત અન્ય સરકારી યોજનાઓ હેઠળ દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહતદરે સારવાર મળી શકશે. જેના કારણે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓની સારવાર હવે વધુ સરળ અને સુલભ બનશે.
કેથ લેબ એ હૃદય અને રક્તવાહિનીઓ સંબંધિત રોગોના નિદાન અને સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિશેષ પ્રયોગશાળા છે. અહીં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા સહિતની મહત્વપૂર્ણ સારવાર કરવામાં આવે છે. આ સુવિધા શરૂ થતાં દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂરિયાત પણ ઓછી થશે.
આ નવી સુવિધાનો લાભ માત્ર દર્દીઓ પૂરતો સીમિત નહીં રહે. જામનગરમાં તાલીમ લઈ રહેલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓને પણ અદ્યતન ટેક્નોલોજી સાથે કામ કરવાની તક મળશે. જેના કારણે તેમની વ્યવસાયિક કુશળતા અને વૈદ્યકીય જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થશે.
કેથ લેબ શરૂ થતાં જામનગરની સરકારી આરોગ્ય સેવાઓમાં એક નવો અધ્યાય ઉમેરાશે. હૃદયરોગના દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ બનશે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મોંઘી ખાનગી સારવારના ખર્ચમાંથી રાહત મળશે. આરોગ્ય ક્ષેત્રે આ સુવિધાને જામનગર માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.


