જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા સર્કલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જાહેરમાં બનેલી મારામારી અને ગેંગવોર જેવી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. કોઈ બાબતે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ હતી. આ સમગ્ર મામલે જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ સંડોવાયેલા ઇસમોની ઓળખ કરી કુલ 10 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગોકુલનગર સર્કલ પાસે જાહેર માર્ગ પર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ઘટનામાં લાકડાના ધોકા સહિત ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.
સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, વાયરલ વીડિયો તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે ઘટનામાં સંડોવાયેલા તમામ શકદારોની ઓળખ કરી હતી. ત્યારબાદ સત્વરે કાર્યવાહી કરીને કુલ 10 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો પણ સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા બંને પક્ષો સામે ગેરકાયદેસર મંડળી રચી જાહેરમાં મારામારી કરવા તેમજ ધારદાર હથિયારો સાથે હુમલો કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવતી આગવી કાર્યવાહી પણ હાથ ધરી હતી, જેનો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
View this post on Instagram
બીજી તરફ, ગોકુલનગર જકાતનાકા વિસ્તારના સ્થાનિક રહીશો અને આગેવાનોમાં આ પ્રકારની ઘટનાઓને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં વારંવાર અસામાજિક તત્વો વચ્ચે બબાલ અને મારામારીના બનાવો બનતા રહે છે, જેના કારણે સામાન્ય નાગરિકો, મહિલાઓ અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાય છે.
આ મામલે સ્થાનિક આગેવાનો અને રહીશોએ ડીવાયએસપીને લેખિત રજૂઆત કરી ગોકુલનગર જકાતનાકા સર્કલ ખાતે કાયમી પોલીસ ચોકી શરૂ કરવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહેશે તો અસામાજિક તત્વો પર અંકુશ આવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બનાવમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેરમાં કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


