જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓની નિમણૂંક બાદ પ્રથમ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં રોડ સ્વીપર મશીન, સીસી રોડ, ઇલેકટ્રીક લાઇન સહિતના કુલ રૂા. ત્રણ કરોડ એંસી લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેનભાઇ મોનાણીની નિમણૂંક થયા બાદ સૌપ્રથમ બેઠક બુધવારે યોજાઇ હતી. સ્ટે. કમિટીની બેઠકમાં જામનગર મહાનગરનગરપાલિકા અને શહેરની પ્રજા માટે ધોળા હાથીસમાન રોડ સ્વીપર મશીન માટે ફરી એકવખત રૂા. 46.82 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જામનગર શહેરના માર્ગોની સફાઇ માટે રોડ સ્વીપર મશીનની ખરીદી કરવામાં આવી છે. આ મશીનની કરોડોના ખર્ચે ખરીદી કરવામાં આવ્યા બાદ તેની જાણવણી અને મેઇન્ટેનન્સ માટે પણ સમયાંતરે લાખોનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આમ, આ સ્વીપર મશીનો ધોળા હાથીસમાન સાબિત થઇ રહ્યાં છે. તા. 10ના રોજ યોજાયેલી ફરી એક વખત આ રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામ માટે રૂા. 46.82 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આમ, કરોડોના ખર્ચે મશીનની ખરીદી અને લાખોના ખર્ચે મેઇન્ટેનન્સને બદલે જો મેન પાવરનો ઉપયોગ થાય તો લોકોના પરિવારને રોજગારી મળી રહે.
આ ઉપરાંત આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકિય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સીસી રોડ/સીસી બ્લોકના કામ માટે રૂા. 200 લાખ, જામનગર મહાનગરપાલિકાની લાઇટ શાખાની મેઇન્ટેનન્સ કામગીરી માટે ઇલેકટ્રીક લાઇટ આઇટમ ખરીદ કરવા વર્ષ 2026-’27ના વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ અંગે વાર્ષિક રૂા. 40 લાખ, જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના બોરિંગ વિભાગ માટે ગેલ્વેનાઇઝ પાઇપ તથા બોરિંગ/યુનિસેફ આઇટેમ ખરીદ કરવા વાર્ષિક રૂા. 15 લાખ, શહેરની હયાત સ્ટ્રીટલાઇટનું ઓપરેશન, મેઇનટેનન્સની કામગીરી માટે ત્રણ માસ એક્સેન્ટશન માટે રૂા. 51.61 લાખ, પોલિકટેકનિક કોલેજ, રેલવે ક્રોસિંગથી બેડીપોર્ટ જંકશન સુધી લાઇટીંગના કામ માટે રૂા. 16.61 લાખ મંજૂર કરાયા છે.
આ ઉપરાંત જામનગર મહાનગર સેવાસદનની જુદી જુદી શાખાઓ પાસે રહેલા જુદા જુદા પ્રકારના ભંગાર માલસામાનના વેચાણ માટે રૂ. 10 લાખની આવક સામે જુદી જુદી શાખાઓ માટે ઓફિસ ફર્નિચર આઇટેમ ખરીદવા માટે રૂપિયા દસ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો ઉપરાંત મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર (વ.) મુકેશભાઇ વરણવા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.


