જામનગર શહેરમાં પોલીસ દ્વારા રિક્ષાઓના પીકઅપ, ડ્રોપ તથા પાર્કિંગ પોઇન્ટ જેવા સ્થળોએ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત 41 થી વધુ કેસો નોંધી રૂા. 13,500ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
મંગળવારે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એએસપી પ્રતિભા અને શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી પીયૂષ વાંદા તથા પીઆઇ વી. એમ. ડોડિયા, એમ. એન. ગઢવી, એન. બી. ડાભી તથા એલસીબી પીઆઇ વી. બી. ચૌધરી, પંચ ‘એ’, પંચ ‘બી’, ટ્રાફિક શાખા, બેડી મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓટોરિક્ષાના પીકઅપ, ડ્રોપ તથા પાર્કિંગ પોઇન્ટના સ્થળોએ ચેકિંગ કામગીરી અંતર્ગત રિક્ષાના આરસી બૂક, વિમો, પીયુસી, લાયસન્સ, ખોટી નંબર પ્લેટો, ફેન્સી નંબર પ્લેટોવાળી રિક્ષા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગઇકાલે 382 ઓટોરિક્ષાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ ચેકિંગ દરમ્યાન પોલીસે એમ. વી. એક્ટની 207 કલમ મુજબ 20 ડિટેઇન કેસ, બીએનએસ 281 કલમ હેઠળ 11 કેસ, બીએનએસ 285 કલમ હેઠળ 07 કેસ, જીપીએક્ટ 135 (1) હેઠળ 03 કેસ સહિતના કેસો કર્યા હતાં. તેમજ રૂા. 13,500ના દંડ માટે 27 સમાધાન શૂલ્ક પાવતી દ્વારા વસૂલાત કરવામાં આવી હતી.


