જામનગર શહેરના બાઇની વાડી વિસ્તારમાં રહેતી દિવ્યાંગ યુવતીના રૂમમાં ઘૂસી જઇ જાતીય સતામણી અને શારીરિક અડપલા કરનાર શખ્સને પકડવા જતાં યુવતીના ભાઇને વિખોડિયા ભરી પથ્થરનો ઘા ઝિંકી પરિવારને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં એટ્રોસિટી સહિતની કલમો સાથે ગુનો નોંધી પોલીસ દ્વારા શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના બાઇની વાડી, ચુનાના પથ્થર વિસ્તારમાં રહેતી મુકબધિર દિવ્યાંગ યુવતી તેણીના ઘરે રૂમમાં ગત્ તા. 28ના રોજ એકલી હતી ત્યારે બાજુમાં રહેતાં રીઝવાન ઉર્ફે ચીનો ગની ખીરા (ઉ.વ.34, રહે. હર્ષદ મીલની ચાલી, ઘાંચી કોલોની) નામના નરાધમ શખ્સે ઘરમાં ઘૂસી દિવ્યાંગની જાતીય સતામણી કરી બળ વાપરી નિ:વસ્ત્ર કરવાના ઇરાદે કપડાં ફાડી નાખ્યા હતા અને શારીરિક અડપલા કરી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ દિવ્યાંગ યુવતી નાના બાળકને બાલમંદિરે મૂકવા જતી હતી. ત્યારે પણ નરાધમ શખ્સે હાથ પકડી શારીરિક અડપલા કરી નાશી ગયો હતો. દરમ્યાન તા. 30ના રોજ યુવતીના ભાઇને નરાધમ યુવાન સામે મળી જતાં રીઝવાનને પકડવા જતાં ઝપાઝપી દરમ્યાન રીઝવાને યુવકને નખના વિખોડિયા ભરી છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતાં યુવક ભાગવા જતાં નરાધમે પાછળથી ઇંટનો ઘા કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત યુવક તથા તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીના વિસ્તારમાં ઘણાં સમયથી રહેતા રીઝવાન પરિવાર અને તેના જ્ઞાતિની પરિચિત હોવા છતાં ઇરાદાપૂર્વક દિવ્યાંગ યુવતીની છેડતી અને જાતીય સતામણી કર્યાના બનાવમાં એસસી-એસટી સેલના ડીવાયએસપી દ્વારા નરાધમ રીઝવાન વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરમ્યાન પોલીસે દિવ્યાંગ યુવતી સાથે જાતીય સતામણી આચરનાર નરાધમ રીઝવાન ઉર્ફે ચીનો ગની ખીરા નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


