Friday, May 29, 2026
Homeરાજ્યહાલારહિટ એન્ડ રન : લાંબા નજીક ઇકોએ ઠોકરે ચઢાવતા યુવતીનું મોત

હિટ એન્ડ રન : લાંબા નજીક ઇકોએ ઠોકરે ચઢાવતા યુવતીનું મોત

દ્વારકા-પોરબંદર નેશનલ હાઇવે પર અકસ્માત : ઇકો કારએ રસ્તો ક્રોસ કરતી યુવતીને હડફેટ લીધી : પોલીસ દ્વારા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડતી એક અજાણ્યા ઇકો કારના ચાલકે રસ્તા પરથી પસાર થતી મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, લાંબા ગામે દ્વારકા-પોરબંદર નેશનલ હાઈવે પર ફરિયાદી વેજાણંદભાઇ રણમલભાઇ ગોજીયાના ઘરની સામે જાહેરમાં ગત તા. 27-05-2026ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે આ કરુણ બનાવ બન્યો હતો. વેજાણંદભાઇના પત્ની પુરીબેન (ઉં.વ. 28) ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા ઇકો ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે, બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી પુરીબેનને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, પુરીબેનને માથાના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ઇકો કારનો ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પત્નીના પતિ વેજાણંદભાઇ ગોજીયાએ કલ્યાણપુર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

કલ્યાણપુર પોલીસે ફરિયાદીની વિગતોના આધારે અજાણ્યા ઇકો ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 106(1), 125(એ), 125(બી) તથા એમ.વી. એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કર્યો છે.
આ કેસની રૂબરૂ ફરિયાદ લેવાની પ્રક્રિયા પો.સ.ઇ. એન.એન. વાળા અને ગુનો દાખલ કરવાની તજવીજ એ.એસ.આઈ. અંજલીબેન મકવાણા દ્વારા કરવામાં આવી હતી. આ હિટ એન્ડ રનના ગુનાની વધુ તપાસ કલ્યાણપુર પોલીસ મથકના પીએસઆઇ એન. એન. વાળા ચલાવી રહ્યા છે. પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ઇકો કાર અને તેના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular