જામનગર શહેરના કાલાવડ પાસેના વિસ્તારમાં બે બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પૂરપાટ આવી રહેલા બાઇક પર સવાર બે શખ્સો નશો કરેલી હાલતમાં જણાતા લોકોએ બન્નેને પોલીસ હવાલે કરી દીધા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા પાસે આવેલા આરબ જમાત ખાના નજીક બે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પુરપાટ આવી રહેલી બાઇક પરના બન્ને શખ્સો નશો કરેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેમની બાઇકે સામેથી આવતા બાઇકને ઠોકર મારતા બે યુવાનોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ એકઠા થઇ ગયેલા લોકો દ્વારા નશા કરેલા બન્ને શખ્સો અંગેની જાણ કરાતા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં લોકોએ નશો કરેલા બન્ને શખ્સો પોલીસને સોંપી આપ્યા હતાં.


