જામનગર તાલુકાના સિકકા ગામમાં દરિયાકિનારે આવેલી સાઇટ પર મજૂરીકામ કરતાં યુવકને વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ જવાથી સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના આદમ રસુલપુર જિલ્લાના ચાંદપુર ગામનો વતની અને હાલ સિક્કા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો રોહિતકુમાર રમેશકુમાર ગોંડ (ઉ.વ. 22) નામનો યુવક ગઇકાલે સાંજના સમયે સિક્કા દરિયાકિનારે આવેલી રિદ્ધિ મરીનની સાઇટ ઉપર મજૂરીકામ કરતો હતો. તે દરમ્યાન વેલ્ડીંગ મશીનના કેબલમાં અડકી જતાં એકાએક વીજશોક લાગતાં બેશુદ્ધ બની ગયો હતો. ત્યારબાદ બેશુદ્ધ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની સુનિલકુમાર ગોંડ દ્વારા જાણ કરાતા એ.એસ.આઇ. કે. બી. લોખીલ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


