ખંભાળિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને નોંધપાત્ર બેઠક સાથે પુન: સ્પષ્ટ બહુમતી સાંપળી છે. ત્યારે નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી વ્યાપક અટકળો અને અનુમાનો બાદ આજરોજ બપોરે યોજાઈ ગયેલી ખાસ બેઠકમાં પ્રમુખ તરીકે વિજયભાઈ નારણભાઈ કણજારીયાને પ્રમુખ પદનો તાજ હાંસલ થયો છે. આ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને શાસક જૂથના નેતાની પણ વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.
ખંભાળિયા નગરપાલિકા કે જેનું તાજેતરમાં વિસ્તાર વિસ્તરણ થયા બાદ 28 ના બદલે હવે 36 બેઠકોવાળી નગરપાલિકા બની છે. ત્યારે તાજેતરમાં યોજાઇ ગયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 36 પૈકી 30 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 તથા અપક્ષ ઉમેદવારને એક બેઠક મળી છે. ત્યારે વધુ એક વખત ભાજપે સત્તાનું સુકાન સંભાળી, નવા હોદ્દેદારોની આજરોજ વિધિવત રીતે વરણી કરવામાં આવી છે.
આજે બપોરે 12 વાગ્યે ખંભાળિયા નગરપાલિકાના સભાગૃહ ખાતેની ખાસ બેઠક અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. નગરપાલિકાના સદસ્યો સાથે આગેવાનો, હોદ્દેદારો અને સત્તાવાહકોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલી આ બેઠકમાં ભાજપ દ્વારા રજુ કરવામાં આવેલા મેન્ડેટ મુજબ નગરપાલિકાના આગામી અઢી વર્ષના પ્રમુખ પદ માટે વિજયભાઈ નારણભાઈ કણજારીયા, ઉપપ્રમુખ તરીકે આશાભા લુણા ગઢવી, કારોબારી ચેરમેન તરીકે રાજ અમૃતલાલ પાબારી, દંડક તરીકે ઋષિ કિરીટભાઈ ખેતિયા અને શાસક જૂથના નેતા તરીકે હંસાબા ભીખુભા જેઠવાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સૌ કોઈએ આવકારી આ તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વોર્ડ નંબર 7 ના વિજેતા ઉમેદવાર વિજયભાઈ નારણભાઈ કણજારીયા ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સતવારા જ્ઞાતિના આગેવાની શૈલેષભાઈ કણજારીયા ભાઈ થાય છે. તેઓ હાલ બીજી વખત સભ્ય તરીકે ચૂંટાયા છે. વોર્ડ નંબર 9 ના વિજેતા ઉમેદવાર આશાભા ગઢવી સૌથી વધુ મત મેળવીને પ્રથમ વખત વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 7 ના વિજેતા ઉમેદવાર રાજ પાબારી રઘુવંશી જ્ઞાતિના યુવા કાર્યકર અને શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂક્યા છે. દંડક તરીકે જવાબદારી સંભાળનારા વોર્ડ નંબર 2 ના ઋષિરાજ ખેતિયા ભાજપના પીઢ કાર્યકર કિરીટભાઈ ખેતિયાના પુત્ર અને નગરપાલિકામાં સૌથી નાની વયના 21 વર્ષના વિજેતા સદસ્ય છે. હંસાબા જેઠવા એ ક્ષત્રિય જ્ઞાતિના અગ્રણી ભીખુભા જેઠવાના ધર્મપત્ની છે, જેઓ અગાઉ પણ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વડપણ હેઠળ આજરોજ આ સમગ્ર કાર્યવાહી પૂર્ણ થઈ હતી. જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે તમામ સદસ્યોને વ્હીપના મેન્ડેટ આપ્યા હતા. આ બેઠક પૂર્વે સવારે દસ વાગ્યે ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા તમામ ભાજપના આ તમામ સભ્યો અને હોદ્દેદારો, કાર્યકરોની ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી.
આગામી અઢી વર્ષના સમયગાળા દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ યોજાના છે ત્યારે આ હોદ્દેદારોની નિયુક્તિમાં જ્ઞાતિલક્ષી સમીકરણને ખાસ નજરમાં રાખવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં શહેરના અનેક પડતર પ્રશ્નો તેમજ વિકાસની વ્યાપક જવાબદારીઓ વચ્ચે નવા હોદ્દેદારોએ જવાબદારી સંભાળી છે. જે થોડા ઘણા અંશે પડકારરૂપ પણ સાબિત થશે


