જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા આગામી તા.18 થી 20 માર્ચ 2027 દરમિયાન બોમ્બે એકઝીબીશન સેન્ટર, નેસ્કો, મુંબઇ ખાતે યોજાનાર બ્રાસ મેક ભારત-2027 ટ્રેડફેરનું લોન્ચીંગ ગત તા.16-5-2026ના જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે, સુમેર સ્પોટર્સ કલબ, જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદના રીજીયોનલ સેક્રેટરી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણિકભાઇ અકબરી, જીઆઇડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ, વિવિધ સંસ્થાઓના હોદેદારઓ, કારોબારી સમિતિના સભ્યઓ તથા ઉદ્યોગકાર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સમારંભની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ રામજીભાઇ ગઢીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત તમામને આવકારી ટ્રેડફેર મુંબઇ રાખવા પાછળનું પ્રયોજન જણાવેલ કે મુંબઇએ ભારતનું અગ્રણી વ્યાપારીક અને ઔદ્યોગીક કેન્દ્ર હોવાથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને નવા ગ્રાહક મેળવવા તથા નિકાસની તકો વધારવા, અત્યાધુનિક ટેકનોલોજી અને બજારના નવા ટ્રેન્ડસ અંગેની માહિતી પ્રાપ્ત કરવા તેમજ પોતાના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની સાથો સાત ઉદ્યોગકારોને બ્રાન્ડ વિઝિબિલિટી, માર્કેટ એકસ્પોઝર અને બિઝનેશ એકસ્પાન્શન માટે વિશાળ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે જેનાથી નજીકના ભવિષ્યમાં નવા ઓર્ડર, વ્યાપારિક સહકાર અને ઉદ્યોગોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે અને દેશ-વિદેશના ખરીદદારો, આયાતકારો, ડીલર્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રતિનિધિઓ સાથે સીધી વ્યાવસાયીક મુલકાત અને નેટવર્કીગની ઉત્તમ તક ઉપલબ્ધ થશે. વિશેષમાં તેઓએ જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને આ ટ્રેડફેરના માઘ્યમથી તેમના ઉત્પાદનો વૈશ્વિક બજાર સમક્ષ મુકવાની તક મળશે. બ્રાસ મેક ભારત ટ્રેડફેર 2027ના પ્રોજેકટ ચેરમેન જીગ્નેશભાઇ બી. લાવટીએ ટ્રેડફેરના આયોજન વિશે તલર્સ્પશી માહિતી આપી, આ સમગ્ર આયોજન માટે રચાયેલ કમીટીની ઓળખાણ આપી હતી.
ત્યારબાદ બ્રાસ મેક ભારત ટ્રેડફેર 2027ના ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સીઇઓ સાનયાલભાઇ દેસાઇએ તેમના વકતવ્યમાં જણાવેલ કે આ ટ્રેડફેરનો લાભ જામનગરના ઉદ્યોગકાર મીત્રોને મળી રહે તે માટે ભારત સરકારના એમએસએમઇ તથા અન્ય વિભાગોનો સહયોગ મેળવી જ્યાં બ્રાસપાર્ટસની મોટાપાયે નિકાસ/વેચાણ કરવામાં આવે ત્યાંના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખરીદદારો આ એકઝીબીશન દરમિયાન ઉપસ્થિત રહે અને બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને ભારત સરકારના સંરક્ષણ, રેલ્વે શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે ઉદ્યોગો, રાજ્ય પરિવહન વિગેરે સાહસો આ એકઝીબીશનમાં ભાગ લે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ટ્રેડફેર દરમિયાન વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મીટીંગ યોજવાનું તથા ઔદ્યોગીક એકમો માટે લાભદાયી યોજનાઓ માટે વિવિધ વિષયો પર સેમીનારો યોજવાનું પણ આયોજન છે.
View this post on Instagram
મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે બ્રાસ મેક ભારત-2027નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. લોન્ચીંગ બાદ પુનમબેન માડમે તેમના વકતવ્યમાં ટ્રેડફેરના આયોજન બદલ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદારઓ તથા ટ્રેડફેર કમિટીના સભ્યોને અભિનંદન પાઠવી આ ટ્રેડફેરના આયોજનમાં જ્યાં પણ સહયોગની જરૂરીયાત હોય ત્યાં સહયોગ આપવા તત્પરતા દાખવી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના એમએસએમઇ વિભાગને લગતી વિવિધ સહાય યોજના હેઠળ આર્થિક સહયોગ મળી રહે તે માટે પ્રયત્નો કરવા ખાતરી આપી હતી.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઇ ગઢીયા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઇ જોશી, માનદમંત્રી મેહુલભાઇ જોબનપુત્રા, સહમંત્રી બિપીનભાઇ સોરઠીયા, ખજાનચી હર્ષદભાઇ પણસારા, ઓડીટર અશોકભાઇ સોલંકી, એડીટર રાજુભાઇ ગાગીયાના હસ્તે પુનમબેન માડમને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સંકલન માનદમંત્રી મેહુલભાઇ જોબનપુત્રાએ અને આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઇ કે. જોશીએ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રચાયેલ બ્રાસ મેક ભારત-2027 કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી..


