દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી સાંજના સમયે રૂ. 61.50 લાખની કિંમતનો ચોરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પોલીસ સ્ટાફ દ્વારા શુક્રવારે સાંજે દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદરમાં જોડિયાપીરની દરગાહની સામેના દરિયાકાંઠાના વિસ્તારમાંથી એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. પોલીસ કાર્યવાહીમાં ચેકીંગ દરમિયાન આ પેકેટમાં કોઈ માદક પદાર્થ હોવાનું ખુલવા પામ્યું હતું.
જે સંદર્ભે પોલીસની વધુ કાર્યવાહીમાં ઝડપાયેલા આ પેકેટમાં ચરસ નામનો માદક પદાર્થ હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, કોઈ શખ્સો દ્વારા ચરસની હેરાફેરી કરીને કે કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયાકાંઠે પકડાઈ જવાના ડરથી ચરસનો આ જથ્થો બિનવારસુ હાલતમાં છોડી દીધાનું જાહેર થયું છે.
આ પ્રકરણમાં પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 61 લાખ 50 હજારની કિંમતનું 1.230 કિલોગ્રામ ચરસ કબજે કર્યું છે. જેને અનુલક્ષીને એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ મોવરની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે અજાણી વ્યક્તિ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. પી. કે. ડાંગર દ્વારા હાથ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પૂર્વે ઓખા મંડળ વિસ્તારમાંથી આ જ રીતે બિનવારસુ હાલતમાં ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. ત્યારે દ્વારકાના દરિયાકાંઠે વધુ એક વખત બિનવારસુ હાલતમાં ચરસ સાંપડતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


