જામનગર શહેરમાં અંધાશ્રમ નજીક આવાસ પાસે ઉભેલા પરપ્રાંતિય યુવકએ રૂપિયા આપવાની ના પાડતાં બે શખ્સોએ છરીની અણીએ પ્લાસ્ટીકના પાઇપ વડે હુમલો કરી રોકડ રકમ બળજબરીપૂર્વક કાઢી લઇ બચાવવા વચ્ચે પડેલા યુવક ઉપર પણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ મધ્ય પ્રદેશના જાંબવા જિલ્લાના કસલધરા તાલુકાના ડભેર ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના હાપા ગામમાં રહી ડ્રાઇવિંગ કરતો મહેશ રામસીંગ ભુરિયા (ઉ.વ.20) નામનો યુવક સોમવારે બપોરના સમયે અંધાશ્રમ આવાસ ચોકમાં ઉભો હતો. તે દરમ્યાન લાલિયો સાહિબો અને અજાણ્યા સહિતના બે શખ્સોએ આવીને મહેશને ક્યાંનો છો? તેમ પૂછતા હું એમપીનો છું તેમ જણાવતાં મહેશ પાસેથી બન્ને શખ્સોએ રૂપિયાની માંગણી કરી હતી. જેથી પરપ્રાંતિય યુવકએ રૂપિયા આપવાની ના પાડતાં લાલિયાએ છરી બતાવી પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારી યુવકના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂા. 2700ની રકમ પડાવી લીધી હતી. તે સમયે મહેશને બચાવવા વચ્ચે પડેલા ધવલ ગુઢકા નામના યુવકને પણ લાલિયાએ પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.
હુમલા અને લૂંટના બનાવમાં ઇજાગ્રસ્ત મહેશ અને ધવલને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ કે. એચ. ચાવડા તથા સ્ટાફએ મચ્છરનગરના લાલિયો સાહિબો અને અજાણ્યા સહિતના બે શખ્સો વિરૂદ્ધ શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


