દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામમાં રહેતો યુવાન કલ્યાણપુર ખાતે આવેલી કે.જી.બી.વી. ગર્લ્સ સ્કૂલમાં તેની પુત્રીનું એડમિશન લેવા બાઇક પર જતા હતા ત્યારે ઓવરટેક કરવા જતી છકડો રિક્ષાના ચાલકે ઠોકર મારતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા સામતભાઈ ભાયાભાઈ જાદવ (ઉ.વ. 41) નામના યુવાન કલ્યાણપુર ખાતે આવેલી કે.જી.બી.વી. ગર્લ્સ સ્કુલમાં તેમની પુત્રીનું એડમિશન લેવા માટે શનિવારે પોતાના જી.જે. 10 એ.એસ. 8973 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે ચાર કિલોમીટર દૂર પાનેલી ગામના પાટીયાથી દેવરીયા ગામના પાટીયા તરફ પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 વાય. 3906 નંબરના એક છકડા રીક્ષાના ચાલકે સામતભાઈના મોટરસાયકલને ઓવરટેક કરવા જતા આ છકડા રીક્ષા બાઈકની એક સાઈડમાં ટકરાયો હતો.
જેથી ફંગોળાઈ ગયેલા સામતભાઈ જાદવને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે છકડા રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોને પણ ઈજાઓ થતા કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચનાભાઇ જાદવની ફરિયાદ પરથી પોલીસે છકડો રીક્ષાના ચાલક સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.


