કાલાવડ નજીક મછલીવાડ ધોરીમાર્ગ પરથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા ડમ્પરે આગળ જતા બાઇકને ઠોકર મારી હડફેટે લેતા હિટ એન્ડ રનના બનાવમાં ચાલક યુવાનનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મછલીવાડ ગામમાં રહેતાં બ્રિજરાજસિંહ ઉર્ફે ભોલો બનેસિંહ જાડેજા નામના યુવાન શનિવારે રાત્રિના સમયે તેના બાઇક પર કાલાવડ-મછલીવાડ રોડ ઉપર સાઇનાથ ફાર્મ-2ના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે01 એમટી 0169 નંબરના ડમ્પરચાલકે આગળ જતાં બાઇકચાલકને પાછળથી ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં ચાલક રોડ પરથી પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે હરિશચંદ્રસિંહ દ્વારા જાણ કરાતાં પીઆઇ એ. એલ. બારસિયા તથા સ્ટાફએ ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


