જામનગર શહેરમાં સન ટુ હ્યુમન સંસ્થા દ્વારા નવા દ્રષ્ટિકોણ વાળી નિ:શૂલ્ક શિબિર તા. 11 થી 16 એપ્રિલ સુધી ઓશવાળ સેન્ટર ખાતે યોજવામાં આવી છે. જેમાં દરરોજ સવારે બે કલાક શિબિર યોજાશે. ત્યારબાદ અદ્રશ્ય નાસ્તાનો અનુભવ પણ કરાવવામાં આવશે. આ અંગે ગુરૂવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી.
જામનગર શહેરમાં પ્રથમ વખત નવા દ્રષ્ટિકોણવાળી નિ:શુલ્ક શિબિર 11 એપ્રિલથી 16 એપ્રિલ સુધી ઓસવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્વે છેલ્લા એક મહિનાથી જામનગર શહેરના દરેક વિસ્તારમાં દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા પરમ મિત્રોએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જામનગરની જનતાને તન, મન અને ધનથી સ્વસ્થ રહેવા માટે સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક નિંદ્રા દ્વારા જીવનમાં મૂળભૂત પરિવર્તન લાવવા નાના-નાના વૈજ્ઞાનિક પ્રયોગો કરાવ્યા છે.
View this post on Instagram
આ શિબિરમાં પ્રયોગો સાથે 15 થી 20 પ્રકારના નિ:શુલ્ક, શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક “અદ્રશ્ય નાસ્તા” અનુભવ પણ કરાવવામાં આવશે. પૃથ્વીને સુંદર બનાવવાના સંકલ્પ સાથે, આ ફાઉન્ડેશનના સ્થાપક દ્વારા પ્રથમ વખત જામનગરના સાધકોને મન, શરીર અને ચેતનાને જાગૃત કરતી, સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક નિંદ્રા સાથે સમજ વધારતા અનોખા, અવિસ્મરણીય અને પ્રભાવશાળી પ્રયોગો કરાવવામાં આવશે. આ પ્રયોગો 9 વર્ષથી 90 વર્ષ સુધીનો કોઈપણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી ભારતમાં તથા વિદેશોમાં 10,000 થી વધુ આયોજન થઈ ચૂક્યા છે. જેના દ્વારા લાખો લોકોએ પોતાની શારીરિક અને માનસિક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઈડ, માઇગ્રેન, અસ્થમા, આર્થરાઇટિસ, તણાવ, ડિપ્રેશન અને બેચેનીમાંથી રાહત મેળવી છે.
જામનગર શહેરમાં પ્રથમ વખત આ શિબિર હાલમાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને આણંદમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનેક વખત સફળતાપૂર્વક યોજાયા બાદ હવે જામનગરમાં યોજાતી આ શિબિર એક વૈચારિક ક્રાંતિ લાવવાનું છે. ફેડરેશન ઓફ જામનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સંજયભાઈ ડોબરિયા, આશાબેન કાછડિયા, અતુલભાઈ કાછડિયા, જયેશભાઈ કથિરિયા, મનોજભાઈ વેકરિયા સહિત અનેક સમાજસેવકો જામનગરને નિરોગી બનાવવા માટે તન, મન અને ધનથી આ શિબિરને સફળ બનાવવા પ્રતિબદ્ધ છે. સંપૂર્ણ રીતે નોન કમર્શિયલ આ સંસ્થા “સન ટુ હ્યુમન ફાઉન્ડેશન” તરફથી પરમ મિત્રોએ જણાવ્યું કે આ નિ:શૂલ્ક શિબિરમાં દરેક ધર્મ, સંપ્રદાય અને જાતિના લોકો ભાગ લઈ શકે છે. જેમાં આપણે કોઈ સમૂહ કે સમાજને બદલાવાના નથી.
આ શિબિરમાં કોઈપણ વસ્તુ બંધ કરવાની સલાહ આપવામાં આવતી નથી, પરંતુ સમજ વધારીને વધુ સારા વિકલ્પો પ્રસ્તૂત કરવામાં આવે છે તેમ આયોજકોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.


