દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો કાયદાનું ઉલ્લંઘન ન કરે તે હેતુથી પોલીસવડા દ્વારા આવા શખ્સોને બોલાવીને ખાસ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ,-જુગાર, ચોરી, હિસ્ટ્રીશીટર (એચ.એસ.), મિલકત સંબંધિત ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સો વિગેરેને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ રૂબરૂ બોલાવીને આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આ સમયગાળા દરમિયાન તેઓ દ્વારા ન કરવામાં આવે અને આવી કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓથી તેઓ હંમેશા અલિપ્ત રહે તે પ્રકારની સમજ આપીને આવા લોકોને કાયદામાંની મર્યાદામાં રહેવા ચેતવણી આપવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ વખત એસ.પી.ના કડક આદેશથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.


